અમદાવાદઃ અમદાવાદમાં રક્ષાબંધન પૂર્વે બજારમાં વિવિધ રાખડીઓનું વેચાણ થઇ રહ્યું છે. તહેવારોની ઉજવણી, પરંપરાગત રિવાજો અને ઋતુઓ પ્રમાણેના વસ્તુઓના વેચાણથી અનેક પરિવારો નભતા હોય છે. સિઝનેબલ વેપારથી મોટા પ્રમાણમાં લોકોને આજીવિકા મળતી હોય છે.
રક્ષાબંધન જેવા તહેવાર આવે એના મહિનાઓ પહેલા રાખડીઓ બનાવવાનું તેમજ પેકિંગનું કામ શરુ થઇ જાય છે. દર વર્ષે ટ્રેન્ડ પ્રમાણે બજારમાં જુદી જુદી ડિઝાઇનર રાખડીઓ બજારમાં આવે છે. મોતી, રુદ્રાક્ષ, અમરિકન ડાયમંડ, સોના-ચાંદી, રેશમમાં તો વર્ષોથી રાખડીઓ કારીગરો દ્વારા બનાવવામાં આવે જ છે. આ સાથે બાળકો માટે ટ્રેન્ડ પ્રમાણેના કાર્ટુન, રમકડાંના આકારની રાખડીઓ બનાવવામાં આવે છે.
અમદાવાદના દિલ્હી દરવાજા પાસે સિઝનેબલ વેપાર કરતાં હાર્દિકભાઇના કહેવા મુજબ, આ વખતે કશ્મીરમાં 370ની કલમ હટતાં અખંડ ભારતના આકારની રાખડી બજારમાં આવી ગઇ છે. આ સાથે બહેનો માટે કંકુ, ચોખા..પૂજાપો મુકવા ડિઝાઇનર થાળી પણ ઉપલબ્ધ છે.
તહેવારોની સામગ્રીઓના વેચાણમાં કરોડો રુપિયાનું બજાર છે. પરંતુ આ વખતે ગ્રાહકોની અછત જણાય છે. આ વર્ષે સ્વતંત્ર ભારતની 15મી ઓગષ્ટ અને ભાઇ-બહેનનો તહેવાર રક્ષાબંધન એક જ દિવસે છે. સમગ્ર અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં લારીઓ, ખૂમચા અને દુકાનોમાં 10 રુપિયાની રકમથી માંડી સોના-ચાંદી-ડાયમંડની રાખડીઓ બજારમાં આવી ગઇ છે.