રોજગારી સાથે સેવા ‘રળી’ લેતા રાજકોટ જિલ્લાના સખી મંડળો

રાજકોટ: કોરાના મહામારીને પગલે માસ્કની માંગમાં મોટો ઉછાળો આવતા બજારમાં તેની અછત વર્તાઇ રહી છે. તેવા સંજોગોમાં રાજકોટ જિલ્લાના જુદા જુદા સખી મંડળોએ માસ્કની માંગને પૂરી કરવા હામ ભીડી છે અને માસ્કનું ઘર બેઠા ઉત્પાદન શરૂ કર્યુ છે.  જિલ્લા લાઇવલીહુડના માર્ગદર્શન તળે સખી મંડળની બહેનો દ્વારા ઘરે જ કોટનના માસ્ક બનાવી જિલ્લાના આરોગ્ય તંત્રને ૧૨૦૦ જેટલા આપવામાં આવ્યા છે અને હજુ પણ તેમના દ્વારા માસ્ક બનાવવામાં આવી રહયા છે.

જિલ્લાના ઢોલરા ગામે ચાલતા સખી મંડળના સભ્ય અંકિતાબેન ભૂત કહે છે કે, માસ્ક બનાવવાનું કામ અમને રોજગારી સાથે સેવા ‘રળી’ આપે છે. તો હિનાબેન ભૂવા કહે છે કે તેઓ રોજના ૧૦૦ જેટલા માસ્ક બનાવે છે.  માસ્ક બનાવવા માટે તેમને કાપડ અને રબર પૂરા પાડવામાં આવે છે અને માસ્ક બનાવવાની રૂ.૨ ની મજૂરી પણ આ સખી મંડળની બહેનોને તેમની કામગીરી સામે ચૂકવવામાં આવે છે.

જિલ્લાના લોધિકા તાલુકાના ઢોલરા ગામના હરિ મિશન મંગલમ સખી મંડળ સહિત ૫૨૦ જેટલા સખી મંડળો આજે આ કાર્યમાં જોડાયા છે. છેલ્લા પાંચ દિવસોમાં વિવિધ સખી મંડળો દ્વારા એકલા લોધિકા તાલુકામાં ૩૫૦૦ જેટલા માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે.

આજે કોરોનાની મહામારીના સમયમાં મોઢા દ્વારા તેના વાયરસનો ચેપ ન લાગે તેમજ શ્વાસોશ્વાસ દ્વારા વાયરસ ફેલાય નહી, તેની તકેદારી રાખવા માસ્કનો ઉપયોગ વધ્યો છે. જોકે સ્વસ્થ વ્યકિતને માસ્કની આવશ્યકતા નથી, પણ જેમને શરદી-ખાંસી કે અન્ય તાવ, ફલુ જેવા રોગો થયા હોય તેમણે માસ્ક પહેરવું આવશ્યક છે.