અમદાવાદ- રાજ્યમાં વાયુ વાવાઝોડાની અસરને કારણે વરસાદી માહોલ જામ્યો છે, આજે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ ૨૮ તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં જાફરાબાદ, ખાંભા, તળાજા, લાઠી, મહુવા, રાજુલા, પાલીતાણા, અમરેલી, ગઢડા, ઉમરાળા, ભાવનગર, વલભીપુર મળી કુલ ૧૨ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ પડયો છે.
આ ઉપરાંત રાજયના ગારીયાધાર, ઉના, બરવાળા, માંગરોળ, ગીર ગઢડા, લીલીયા, સાવરકુંડલા, તાલાળા, જેસર, કલ્યાણપુર, બાબરા, વેરાવળ, નસવાડી, નવસારી, ચોર્યાસી અને જલાલપોર મળી કુલ ૧૬ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાની વર્તમાન સ્થિતિ પર હાલ સરકાર ચાંપતી નજર રાખી રહી છે. વાયુ વાવાઝોડું ઉત્તર સૌરાષ્ટ્ર થઈ પસાર થવાની શક્યતાઓ સેવાઇ રહી છે. જો કે આ વાવાઝોડાનો વ્યાપ 900 કિ.મી.નો છે. જ્યારે વાવાઝોડાની સ્પીડ પ્રતિ કલાક 140 કિ.મી.ની યથાવત રહેશે.
સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર અને અમરેલીમાં 10 ઈંચથી વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લી સ્થિતિએ આ વાવાઝોડું વેરાવળથી 100 કિલોમીટર દૂર છે અને દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ 140 કિ.મી.ની ઝડપથી આગળ વધી રહ્યું છે.