વડોદરા શહેરમાં ઉનાળાની આકરી ગરમી વચ્ચે નાગરિકોને વીજ કાપનો સામનો કરવો પડશે. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં જરૂરી સમારકામ અને જાળવણી કામગીરી હાથ ધરવામાં આવશે, જેના કારણે 16 એપ્રિલથી 26 એપ્રિલ સુધી દરરોજ સવારે 6થી 10 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવશે, જેની કોઈ અગાઉથી સૂચના આપવામાં આવશે નહીં. વિશ્વામિત્રી પશ્ચિમ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે, આ જાળવણી કામગીરી વીજ વિતરણની ગુણવત્તા સુધારવા અને ભાવિ સમસ્યાઓ ટાળવા માટે અનિવાર્ય છે.
16 એપ્રિલે અટલાદરા, ફતેગંજ અને આસપાસના વિસ્તારોમાં અટલાદરા રોડ, દીપ અને ધરમસિંહ ફીડરમાં વીજ કાપ રહેશે, જ્યારે 17 એપ્રિલે સમા, ગોત્રી, વાસણા, લક્ષ્મીપુરા અને ગોરવામાં અગોરા મોલ, ગંગોત્રી, માઇલ સ્ટોન, નારાયણ, પ્રથમ સૃષ્ટિ અને શ્રીનાથ ફીડરના વિસ્તારો અસરગ્રસ્ત રહેશે. આવી જ રીતે, 19 એપ્રિલે ફતેગંજ, ગોત્રી અને વાસણામાં આનંદ નગર, ઇસ્કોન હાઇટ્સ અને અટલાદરા સ્ટેડિયમ ફીડર, 20 એપ્રિલે અલકાપુરી અને ગોરવામાં આર્કેડ અને ગોરવા ગામ ફીડર, 22 એપ્રિલે સમા અને ગોરવામાં ચાણક્યપુરી, મનોરથ અને સહયોગ ફીડર, 23 એપ્રિલે ફતેગંજ, લક્ષ્મીપુરા, અટલાદરા, અકોટા, વાસણા અને ગોત્રીમાં હાર્મની, માધવ પાર્ક, મહાબલીપુરમ, સ્વાગત, ટાગોર નગર અને વુડા ફીડર, 24 એપ્રિલે સમા, ગોરવા અને અટલાદરામાં અણુશક્તિ, સુભાનપુરા રોડ અને સન ફાર્મા ફીડર, 25 એપ્રિલે વાસણા, અટલાદરા, અકોટા અને ગોત્રીમાં વરણીમાં, ચાણક્ય, ગુજરાત ટ્રેક્ટર અને રાજેશ ટાવર ફીડર, તેમજ 26 એપ્રિલે ફતેગંજ અને અલકાપુરીમાં ડિલક્સ અને સારાભાઈ ઇસ્ટ એવન્યુ ફીડરના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે.
આ સમયગાળા દરમિયાન નાગરિકોને અગવડ ન થાય તે માટે પોતાનું કામકાજ આગોતરું આયોજન કરવા અધિકારીઓએ સૂચન કર્યું છે. MGVCLએ લોકોને વીજ કાપ દરમિયાન વૈકલ્પિક વ્યવસ્થા જેવી કે ઇન્વર્ટર અથવા જનરેટરનો ઉપયોગ કરવાની સલાહ આપી છે, જેથી રોજિંદા જીવનમાં ખલેલ ઓછી થાય. આ ઉપરાંત, કોઈપણ અણધારી સમસ્યા માટે MGVCLના હેલ્પલાઇન નંબર 19124 અથવા 18002332670 પર સંપર્ક કરવા જણાવાયું છે.
