અમદાવાદ: 21 ઓકટોબરના દિવસે શહીદ થયેલા પોલીસ જવાનોની યાદગીરી રુપે પોલીસ સંભારણા દિવસ મનાવવામાં આવે છે. આંતરિક સુરક્ષાને મજબુત રાખવા આખાય દેશના તમામ રાજ્યોના પોલીસ કર્મચારીઓ ખડેપગે રહી ફરજ બજાવતા હોય છે. ક્યારેક ખૂંખાર ગુનેગારો, આતંકીઓ, નક્સલવાદ સાથેની અથડામણમાં કે ફરજના ભાગરુપે જુદી જુદી ઘટનાઓમાં પોલીસ જવાનો શહીદ થાય છે.
શહીદ થતાં નિષ્ઠાવાન પોલીસ જવાનોને યાદ કરી અંજલિ આપવામાં આવે છે. પોલીસમાં ફરજ બજાવતા જવાનો બહારના દુશ્મનો સામે પણ લડ્યા હોય એવા અસંખ્ય દાખલા છે. જેમાં 1959માં ચીની સૈનિકોએ કરેલા ગોળીબારમાં પોલીસ કર્મચારીઓ પણ શહીદ થયા હતા.
આ ઘટનાની યાદ રુપે ભારતીય પોલીસ સ્મૃતિ દિન મનાવવામાં આવે છે. ત્યારબાદ દેશમાં જુદી જુદી ઘટનાઓ દરમિયાન શહીદ થતા કર્મનિષ્ઠ પોલીસ કર્મચારીઓને યાદ કરવામાં આવે છે.
અમદાવાદમાં પોલીસ સ્ટેડિયમમાં દર વર્ષે પોલીસ સ્મૃ઼તિ દિન મનાવવામાં આવતો હતો, આ વર્ષે ગાંધીનગરના કરાઇ.. પોલીસ અકાદમી ખાતે પોલીસ સંભારણા દિન યોજવામાં આવ્યો હતો. આંતરિક અને બાહ્ય દુશ્મનોને જેર કરતાં પ્રાણ ન્યોછાવર કરનાર પોલીસ કર્મચારીઓને યાદ કરી શ્રધ્ધાંજલિ આપવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સહિત, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ)