અમદાવાદ: શહેરના બોપલ વિસ્તારમાં 10 નવેમ્બરના રોજ નજીવી કાર ધીમે ચલાવવા બાબતે ઠપકો આપતા કાર ચાલકે યુવાનની હત્યા કર્યાની ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કેસની તપાસમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચે 13 નવેમ્બરે આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયાની પંજાબથી ધરપકડ કરાઈ હતી. ત્યારબાદ તેને અમદાવાદ લવાયો હતો. આ કેસમાં પોલીસે આરોપી પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આ દરમિયાન તેને ચાલવામાં પણ ફાંફા પડતા હોવાનું નજરે પડ્યુ હતું. હત્યારાની આંખમાંથી આંસુ નીકળ્યા હતા.
પ્રિયાંશુની હત્યા કેસમાં સંડોવાયેલો આરોપી વિરેન્દ્રસિંહ પઢેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરે છે. હત્યાની રાત્રે તેણે દારૂના નશામાં હુમલો કર્યો હતો. બાદમાં તે પોલીસથી બચવા માટે ફરવાના બહાને તેના મિત્રની કાર લઇને પંજાબ તરફ ફરાર થઇ ગયો હતો. ઘટના સમયે વિરેન્દ્ર સિંહની સાથે કારમાં ડ્રાઇવર તરીકે રહેલા અન્ય પોલીસ કર્મી દિનેશ ઉર્ફે ડી.કે હાજર હતો. પોલીસે તેની પણ પૂછપરછ આદરી છે. દિનેશે વિરેન્દ્રને ભાગવામાં મદદ કરી હોવાથી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે. બોપલ ખાતે બનેલા હત્યાના બનાવ સંદર્ભે મૃતક પ્રિયાંશુ જૈનના પિતા પંકજભાઈ જૈન સાથે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો હતો. વિકાસ સહાયે કહ્યું કે, ‘ગુનેગાર ભલે પોલીસ કર્મી હોય પરંતુ તે ગુનેગાર છે એટલે તેની સાથે ગુજરાત પોલીસ તરફથી ગુનેગાર જેવું જ વર્તન થશે. ગુનેગાર પોલીસ કર્મી સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે અને ખૂબ જ ટૂંકા સમયમાં સમગ્ર કેસની ચાર્જશીટ કરવામાં આવશે. પોલીસ કર્મી દ્વારા ગુનાને અંજામ આપવામાં આવ્યો તે વાતનો ખેદ વ્યક્ત કરી વિકાસ સહાયે મૃતક યુવાનના પરિવારને ઝડપી અને સચોટ ન્યાય અપાવવા ખાતરી આપી હતી.