ગાંધીનગર- ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, રાજ્યનું યુવાધન નશાના માર્ગે ન વળે અને નશાની ચુંગાલમાંથી મુક્ત થાય તે માટે સરકાર મક્કમ નિર્ધાર કરીને નશાંધીના ચુસ્ત અમલ માટે કાયદાકીય સુધારાઓ કરી રહી છે.ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે.
આ અંગે હાલના કાયદામાં સુધારો પણ કરવામાં આવશે. હાલમાં ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જે વિસ્તારમાં નાર્કોટીક્સ ઝડપાશે તે વિસ્તારના અધિકારીઓ સામે કડક હાથે કાયદાકીય કાર્યવાહી કરાશે. તેમજ ડ્રગ્સ સૂંઘીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
આ ઉપરાંત રાજયના યુવાનોમાં ઓન લાઇન મંગાવવામાં આવતી આરોગ્ય માટે જોખમી ઇ-સિગારેટનું ચલણ જોવા મળ્યું છે. ઇલેકટ્રોનીક નિકોટીન ડીલીવરી સિસ્ટમ (ENDS) દ્વારા ઓન લાઇન મંગાવાતી ઇ-સિગારેટ ઉપર પણ ગુજરાતમાં પ્રતિબંધ મુકવામાં આવશે. હાલમાં ભારતના ૧ર રાજયો સહિત વિશ્વના ૩૬ દેશોમાં આ પ્રકારની ઇ-સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જાડેજાએ ઉમેર્યું કે, યુવાનો નશા તરફ પ્રેરાય નહીં તે માટે રાજ્ય સરકારે નશાબંધીના કાયદામાં પણ યોગ્ય સુધારાઓ કરી કાયદાને વધુ કડક અને મજબૂત બનાવ્યો છે. કે જેથી ગુનેગારો સરળતાથી છૂટી શકે નહીં. જેના પરિણામ રાજ્યમાં ઘણી સફળતા પણ મળી રહી છે. સાથે સાથે રાજ્ય સરકારે હુક્કાબારમાં પણ સંપૂર્ણપણે પ્રતિબંધ મુક્યો છે. જેના પરિણામે યુવાનો નશામાંથી મુક્ત બન્યા છે.
રાજ્યમાં ડ્રગ્સ કે અન્ય માદક પદાર્થોનું વેચાણ, સંગ્રહ, ઉપયોગ કે વહન સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે રાજ્યના ડી.જી.પી. શિવાનંદ ઝા દ્વારા સતત મોનીટરીંગ કરીને તમામ એજન્સીઓને કડક સૂચના આપવામાં આવી છે. આવા માદક પદાર્થોની સમાજ અને યુવાનોના સ્વાથ્ય પરની ખરાબ અસરોને ધ્યાને લેતાં, આવા પદાર્થોનું વેચાણ અને ઉપયોગ સદંતર બંધ થાય તે માટે ડી.જી.પી. દ્વારા તમામ એજન્સીઓને નાર્કોટીક્સ પદાર્થો પકડી પાડવા અંગેની એક ખાસ ડ્રાઇવ ચલાવવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને જે વિસ્તારોમાં આવા પદાર્થોનું વેચાણ, ઉત્પાદન કે સંગ્રહ થઇ શકે તેવી સંભવાના હોય તેવા વિસ્તારોમાં ખાસ વોચ રાખીને સઘન ચેકીંગ કરવા તથા આવા વિસ્તારોમાં અવારનવાર કોમ્બિંગ રાખવા પણ સૂચના આપી દેવાઇ છે.
તેમણે ઉમર્યું કે, રાજ્યના યુવાધનને આવા પદાર્થોની બદી સ્પર્શે નહિં તે માટે રાજ્યમાં આવેલ મોટા શૈક્ષણિક સંકૂલો/સંસ્થાઓ આસપાસ વિશેષ તકેદારી રાખી ચેકીંગ તથા વોચ રાખવામાં આવશે. આવા પદાર્થો પકડી પાડવા પૂરતાં પ્રમાણમાં ટેકનીકલ ઇન્ટેલીજન્સ મેળવીને માદક પદાર્થોના વેચાણ ઉત્પાદન કે વહન સાથે સંકળાયેલા વ્યક્તિઓને ઓળખી કાઢીને તેમની વિરુદ્ધમાં કડકમાં કાર્યવાહી થાય અને જો આવા પદાર્થો રાજ્ય બહારથી ધુસાડવામાં આવતાં હોય તો તેના મૂળ સ્ત્રોત્ર તથા વહન/હેરાફેરીના માધ્યમો શોધીને આવી આવા સમગ્ર રૂટ ઉપર ચાંપતી નજર રાખીને સંડોવાયેલ તમામ વ્યક્તિઓને પકડી પાડવામાં આવશે.
રાજ્યમાં કેફી પર્દાથ અને મનોપ્રભાવી દ્રવ્ય અધિનિયમ- NDPS હેઠળ રાજયમાં વર્ષ-૨૦૧૭ માં કુલ-૬૭ કેસોમાં ૮૭ આરોપીઓની ઘરપકડ કરાઇ છે, વર્ષ-૨૦૧૮ માં કુલ-૧૫૦ કેસોમાં ૨૦૭ આરોપીઓ તેમજ વર્ષ-૨૦૧૯માં ૩૧ મે ની સ્થિતિએ ૬૧ કેસોમાં ૯૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
જો આવા માદક પદાર્થો પકડવામાં નબળી કામગીરી જણાઇ આવશે તો સંબંધીત અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવશે. જેવી રીતે બહારની એજેન્સી દ્વારા કોઇ સ્થાનિક પો.સ્ટે વિસ્તારમાં મોટે પાયે દારૂ પકડી પાડવામાં આવે ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી વિરુધ્ધ પગલાં લેવામાં આવે છે તેવી રીતે જો કોઇ વિસ્તારમાંથી કોઇ બહારની એજેન્સી દ્વારા વધુ માત્રામાં માદક પદાર્થો પકડી પાડવામાં આવશે તો પણ સ્થાનિક પોલીસ અધિકારીઓ વિરુધ્ધ પગલા લેવામાં આવશે. તેની સામે જો કોઇ એકમ/અધિકારી દ્વારા આ દિશામાં સારી કામગીરી કરવામાં આવે તો તેની પ્રોત્સાહીત કરવા ઇનામ પણ અપાશે.
ગુજરાત સંપૂર્ણપણે નશાબંધીને વરેલું રાજય છે. રાજય સરકારે નશાબંધી ધારાના ચુસ્ત અમલ માટે કડક નિયમો અમલી બનાવ્યા છે, જેમાં દારૂના ઉત્પાદન, ખરીદ- વેચાણ હેરફેર કરનારા ગુનેગારોની સજામાં વધારો – ૧૦ વર્ષ સુધીની કેદ અને રૂા. ૫ લાખ સુધીના દંડની જોગવાઇ, દારૂના અડ્ડાના સંચાલકને કે તેના મદદગારને ૧૦ વર્ષ સુધીને કેદ અને રૂા. ૧ લાખ સુધીના દંડની જોગવાઇ : દારૂ પીને જાહેરમાં દંગલ કરનારા, મહિલાઓની છેડતી કરનાર સામે વધુ કડક કાયદો, હવે ૩ વર્ષ સુધીની કેદની જોગવાઇ, ગુનેગારોને નાસી જવામાં મદદગારી કરનાર અધિકારીને પણ ૭ વર્ષ સુધીની કેદ અને રૂા. ૧ લાખ સુધીનો દંડ તેમજ કોઇ અધિકારીની ફરજમાં અડચણ કે હુમલો કરવા બદલ ૫ વર્ષ સુધી કેદ અને ૫ લાખ દંડની જોગવાઇ કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજયના નાગરિકો ફરીયાદ કરી શકે તે માટે ટોલ ફ્રી નં. ૧૪૪૦૫ પણ શરૂ કરાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના કન્ટ્રોલ રૂમના નંબર ૯૯૭૮૯૩૪૪૪૪ પર -વોટ્સએપ અને SMS દ્વારા પણ માહિતી આપી શકાશે અને માહિતી ગુપ્ત રહેશે. સ્ટેટ મોનીટરીંગ સેલનું ફેસબુક આઇ.ડી. smc gujarat અને ઇ-મેઇલ smcgujarat1@gmail.com કાર્યરત કરવામાં આવ્યું છે.
રાજ્ય સરકારે હુક્કાબારને પ્રતિબંધિત જાહેર કરીને હુક્કાબારમાં પ્રવેશ, તપાસ, ઝડતી, અને જપ્તીની સત્તા પોલીસ અધિકારીઓને આપી છે. આ કાયદાના ભંગ બદલ ઓછામાં ઓછી ૧ વર્ષ અને વધુમાં વધુ ૩ વર્ષની સજા તેમજ રૂા. ૨૦ હજારથી રૂા. ૫૦ હજાર સુધીના દંડની જોગવાઇ કરી છે. વધુમાં આ ગુનો કોગ્નિઝેબલ ગણાશે તેવો સુધારો સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન ધારો – ૨૦૦૩માં કરવામાં આવ્યો છે.
પોલીસની સઘન ઝુંબેશના પરિણામે તાજેતરમાં રાજયની ATS દ્વારા દેવભૂમિ દ્રારકાના સલાયા ખાતે રૂા. ૧૪ કરોડથી વધુનો ૩૦૦ કીલો હેરોઇનનો જથ્થો જપ્ત કરીને ગુનેગારો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર પાસેના ઇનપુટના આધારે ગુજરાત ATS ની ટીમે પેટ્રોલીંગ દરમિયાન ઇન્ડીયન કોસ્ટગાર્ડ સાથે રહીને પોરબંદરના દરીયામાંથી ૯ ઇરાનીઓ પાસેથી ATS દ્વારા રૂા. ૫૦૦ કરોડનો અંદાજે ૧૦૦ કીલો હેરોઇનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે એ.ટી.એસ. ખાતે ગુન્હો દાખલ કરી આરોપી મહોમદ અબ્દુલ સલામ કન્નીની પુછપરછ દરમિયાન તેમના કબ્જામાં દિલ્હી ખાતેના પહાડગંજ વિસ્તારમાંથી રૂ.૨૦ કરોડની કિંમતનું ૪ કિલો મેથાએમફેટામાઈન પકડી પાડવામાં આવ્યું હતું.
આ ઉપરાંત કચ્છના જખૌવની પાસે તા.૨૧ મે, ૨૦૧૯ ના રોજ કોસ્ટ ગાર્ડે ભારતમાં લાવવામાં આવી રહેલા કરોડો રૂપિયાનું ડ્રગ્સને પકડી લીધું હતું. કોસ્ટગાર્ડે ભારત-પાકિસ્તાન મરીન બોર્ડર પાસે અલ-મદીના નામની બોટમાંથી હેરોઈન ડ્રગ્સના ૧૯૪ પેકેટ્સ જપ્ત કર્યા હતા. ઇન્ટરનેશનલ માર્કેટમાં આ ડ્રગ્સની કિંમત ૪૦૦-૫૦૦ કરોડ રૂપિયાની આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ કેસમાં કોસ્ટગાર્ડે ડ્રગ્સની ખેપ ભારત લાવી રહેલા ૬ પાકિસ્તાનીઓની પણ ધરપકડ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કામગીરી માટે ડી.જી.પી. ઉપરાંત સી.આઇ.ડી.(ક્રાઇમ) તથા એ.ટી.એસ દ્વારા પણ કામગીરી ઉપર દેખરેખ રાખવામાં આવશે અને સમયાંતરે રાજ્યકક્ષાએ મોનીટરીંગ કરાશે. નાર્કોટીક્સ પદાર્થો પકડી પાડવા રાજ્ય પોલીસને વધુ સક્ષમ બનાવવા માટે આવા પદાર્થો અને ખાસ કરીને ડ્રગ્સ સૂંધીને પકડી શકે તેવા ખાસ સ્નિફર ડોગ પોલીસ દળમાં ટૂંક સમયમાં સામેલ કરાશે. આવા પદાર્થો જે ગુનેગારો પાસેથી કે જે તે પોલીસ મથકની હદમાંથી મળી આવશે તો ગુનેગારો ઉપરાત સંબંધિત પોલીસ સ્ટેશનના અધિકારીઓ સામે સખત રીતે પગલાં લેવામાં આવશે.