અમદાવાદઃ કોલ્ડ ડ્રિંક્સ, ચિપ્સ સહિતની વસ્તુઓ બનાવનારી આંતરરાષ્ટ્રીય કંપની પેપ્સિકો ઈન્ડિયાએ ગુજરાતના ખેડુતો વિરુદ્ધ દાખલ કરેલા કેસને પાછો લઈ લીધો છે. આ ખેડૂતો પર એ પ્રકારના બટાકાની ખેતી કરવાનો આરોપ છે જેના પર પેપ્સિકો પોતાનો કોપી રાઈટ હોવાનો દાવો કરે છે.
પેપ્સિકો ઈન્ડિયા હોલ્ડિંગ્સે બનાસકાંઠા જિલ્લાના ડિસામાં કોર્ટમાં કેસ પાછો ખેંચવા અરજી કરી છે. પેપ્સિકોએ કેટલાક ખેડૂતો પર 1 કરોડ રુપિયાથી વધારે વળતરનો કેસ કર્યો હતો.
જે પ્રકારના બટાકા પર પેપ્સિકો પોતાનો કોપી રાઈટ હોવાનો દાવો કરે છે, તે બટાકા કદમાં મોટા હોય છે અને તેમાં ભીનાશ અન્ય બટાકાની સરખામણીએ ઓછી હોય છે. જેના કારણે લેયઝ બ્રાંડની પોટેટો ચિપ્સ બનાવવામાં આનો ઉપયોગ કરવામાં આવે છે. સોશિયલ મીડિયા અને રાજનૈતિક દબાણ બાદ પેપ્સિકો ખેડૂતો સાથે સમજૂતી માટે રાજી થઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર પેપ્સિકોએ કોર્ટને કહ્યું કે સરકાર સાથે વિચાર-વિમર્શ બાદ અમે આ મામલાને પાછો લેવા માગીએ છીએ, જેથી પોતાના બીજના સંરક્ષણ માટે અમે લોન્ગ ટર્મનું કોઈ સમાધાન કાઢી શકીએ. અમેરિકાની કંપનીએ એફસી-5 પ્રકારના બટાકાના ઉત્પાદન માટે ખેડુતો વિરુદ્ધ કોર્ટમાં અરજી કરી હતી. કંપનીનો દાવો છે કે આ પ્રકારના બટાકા માટે તેમની પાસે પીબીપી વિશેષ અધિકાર છે. પેપ્સિકોએ બંને ખેડૂતો વિરુદ્ધ મામલો દાખલ કરાવ્યો હતો. કુલ મળીને કંપનીએ આ મામલે 11 ખેડૂતોને અલગ અલગ કોર્ટમાં ઘસેડ્યાં હતાં.
કંપનીએ તમામ ખેડૂતો પાસેથી એક કરોડ રુપિયાથી વધારે રુપિયાની માગણી કરી છે. આ બંને ખેડૂતો સિવાય પેપ્સિકોએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડૂતો વિરુદ્ધ પણ આ જ આધાર પર કેસ કર્યો છે. અન્ય મામલાઓમાં સુનાવણી આગળ થશે. આ પ્રથમ ત્રણ મુકદ્દમાઓ પૈકીનો એક છે, કે જેને પાછો ખેંચવા માટે પેપ્સિકોએ ઔપચારિક રીતે પગલા ભર્યા છે.