પાટણઃ થોડા સમય પહેલા કોંગ્રેસના નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના છે, તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું હતું. જો કે ત્યારબાદ અલ્પેશ ઠાકોરે સ્પષ્ટતા કરી હતી કે હું ભાજપમાં જોડાવાનો નથી. ત્યારે હવે જ્યારે લોકસભા ચૂંટણીનો માહોલ છે ત્યારે, ગુજરાતની પાટણ બેઠક મામલે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી હોય તેવું સ્પષ્ટ પ્રતિત થઈ રહ્યું છે. કોંગ્રેસ દ્વારા પાટણ બેઠક પરથી કયા ઉમેદવારને મેદાને ઉતારવા તે મામલે હજી નિર્ણય લઈ શકાયો નથી.
પાટણ બેઠક પર નેતાઓ જગદીશ ઠાકોરને ટીકીટ આપવાની તરફેણમાં જ્યારે અલ્પેશ ઠાકોર આ સમર્થનનો વિરોધ કરી રહ્યાં છે. ત્યારે આ મામલે કોંગ્રેસ પોતે પણ મુંઝવણમાં મુકાઈ છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને ઠાકોર નેતાઓ વચ્ચે આ મામલે બેઠક યોજાઈ હતી. ત્યારે આજે મોડી સાંજ સુધી આ મામલે મહત્વપૂર્ણ લેવામાં આવે તેવી શક્યતાઓ છે.
અલ્પેશ ઠાકોરે વિરોધ કર્યા બાદ જગદીશ ઠાકોર અને ધારાસભ્ય બળદેવજી ઠાકોરે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને મળ્યા હતા. આ પછી ચાવડાએ અલ્પેશ અને જગદીશ ઠાકોરને એકમત થઇને ઠાકોર સમાજમાં કોને ટિકિટ આપવી તે બાબતે વિચારણા કરવામાં આવશે.
થોડા સમય પહેલા ચર્ચા એવી પણ હતી કે અલ્પેશ ઠાકોર ભાજપની ટિકિટ પરથી પાટણની બેઠક પર લોકસભાની ચૂંટણી લડશે. તેઓ રાજીનામુ આપશે તો બીજી બાજુ ખાલી પડનારી વિધાનસભાની રાધનપુર બેઠક પરથી શંકર ચૌધરી પેટા ચૂંટણી લડશે આમ લોકસભાની ચૂંટણીઓ જાહેર થાય ત્યાર પહેલાં જ આ પ્રકારની રાજકીય ગતિવિધિ વધી ગઈ હતી. અંતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાં જ રહેવાનો નિર્ણય કર્યો હતો.