ગાંધીનગર-ઓરી–રૂબેલાના રોગ સામે સુરક્ષા આપતી એમ.આર. રસીકરણ કાર્યક્રમમાંગુજરાતમાં ૩૧ લાખથી વધુ બાળકોને આ રસી અત્યાર સુધીમાં આપી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિક નિયામકના જણાવાયા અનુસાર ગુજરાતમાં ઓરી-રૂબેલાના રોગ સામે સુરક્ષા આપવા માટે રાજ્ય સરકારે જે જન ઝુંબેશ ઉપાડી છે, જેમાં રાજ્યભરના દોઢ કરોડથી વધુ બાળકોને આવરી લેવાનું આયોજન છે તે પૈકી આજ સુધીમાં ૩૧ લાખથી વધુ રસીકરણ સંપન્ન થયું છે. વર્ષ-૨૦૨૦ સુધી ગુજરાત અને દેશમાંથી ઓરીનું નિવારણ અને રૂબેલાનું નિયંત્રણ લાવવાના ધ્યેય સાથે તા. ૧૬મી જુલાઇ-૨૦૧૮ના રોજ મુખ્યપ્રધાન અને નાાયબ મુખ્યપ્રધાનના હસ્તે ઓરી અને રૂબેલા રસીકરણ અભિયાનની શુભ શરૂઆત કરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત રાજ્યના ૯ માસથી ૧૫ વર્ષ સુધીના આશરે ૧.૬ કરોડ બાળકોને એમ.આર.ની રસી આપવામાં આવનાર છે. અગાઉ દેશના ૨૦ રાજ્યોમાં ૯.૨ કરોડથી વધુ બાળકોને એમ.આર. રસી સફળતાપૂર્વક મૂકાઇ છે.
આ ઝુંબેશના પ્રથમ તબક્કામાં તમામ શાળાઓમાં કામગીરી કરવાની હોઇ, અત્યાર સુધીમાં કુલ ૨૨,૪૮૩ રસીકરણ સત્રનું આયોજન કરી ૩૧.૩૧ લાખ બાળકોને એમ.આર. રસી આપી ઓરી અને રૂબેલા રોગથી સુરક્ષિત કરવામાં આવેલ છે. એમ.આર. રસી મુકેલ બાળકો પૈકી એક પણ બાળકને રસીકરણના કારણે કોઇપણ પ્રકારની ગંભીર આડ-અસર થયેલ નથી અને દરેક શાળાઓમાં આ ઝુંબેશને લઇને શિક્ષકો, વાલીઓ અને બાળકોમાં એક ઉત્સવ જેવા માહોલનું વાતાવરણ પેદા થયું છે.
આ કાર્યક્રમના સુપરવિઝન માટે વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી તમામ જિલ્લા તથા કોર્પોરેશન વિસ્તાર માટે મોનીટર્સ નિયુક્ત કરવામાં આવેલ છે. યુનિસેફ સંસ્થા તરફથી રસીકરણ અંગે ગેરસમજ દૂર કરવા માટે વિવિધ સહયોગ આપવામાં આવ્યો છે તથા અન્ય રાજ્યોમાંથી પણ ૭ જેટલા નિષ્ણાંતો નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ ખાનગી બાળરોગ નિષ્ણાંત પણ પોતાના બાળકોને એમ.આર.ની રસી અપાવી સમાજ માટે ઉમદા અને પ્રેરક ઉદાહરણ પ્રસ્તુત કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વાર એમ.આર. રસીની ગુણવત્તા અને કોલ્ડ ચેઇનની જાળવણીની તકેદારી રાખી તાલીમબદ્ધ આરોગ્ય કાર્યકર દ્વારા આ રસી આપવામાં આવે છે.