લોસ એન્જલસઃ ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના ઉપક્રમે 70 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલા સેરીટોસ કોલેજ પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટરનો ભવ્ય ઉદઘાટન સમારોહ તાજેતરમાં ઉજવવામાં આવ્યો હતો. આ સન્માન અને ઉજવણી કાર્યક્રમમાં સંસ્થાના ટ્રસ્ટી જેમ્સ,પ્રેસિડેન્ટ હોઝે ફેરેરો ,માર્થા પેલેનો, સેરીટોઝ કોલેજ ફાઉન્ડેશન ચીફ કેરોલ, યોગી પટેલ અને પરિમલ શાહ તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર દક્ષિણપૂર્વ લોસ એન્જલસ કાઉન્ટીમાં શિક્ષણ, સંસ્કૃતિ અને કલા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે આ સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 750 કરતા વધારે લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
આર્ટેશિયા શહેર અને આસપાસના સમુદાયોમાં કલાત્મક અને શૈક્ષણિક પ્રોગ્રામિંગ લાવવા બદલ આર્ટેશિયા ચેમ્બર ઓફ કોમર્સ તથા આર્ટેસિયા બિઝનેસ સમુદાય દ્વારા આભાર માનવામાં આવ્યો છે.
પીસ સેન્ટર એડવાઇઝરી ગ્રુપ પીસ સેન્ટર વતી ઇલા મહેતાએ જણાવ્યુ હતું કે પીસ સેન્ટર એ વાસ્તવિક સંસ્થા નથી, પરંતુ ફાઉન્ડેશનનો કાર્યક્રમ છે અને તેને શાંતિ કેન્દ્ર સમર્થક તરીકે ગણી શકાય. શાંતિ કેન્દ્રની સ્થાપનાનો ઉદ્દેશ દેશ દુનિયામાં શાંતિ સ્થપાય તે માટેનો છે.
ભારતનાં ગ્રામ વિકાસને વધુ વેગ આપવા માટે લોસ એન્જલસમાં વસેલા ભારતીયો દ્વારા ખાસ ભંડોળ એકત્રિત કરવામાં આવ્યું છે. 1 કલાકમાં 5 કરોડ રૂપિયા ભેગા કરીને તેને ભારતનાં ગામડાના વિકાસ માટે મોકલવામાં આવશે.
આ કાર્યક્રમમાં ડો. અનિલ શાહ, એસેમ્બલી વીમેન શેરોન, બેન્કર અને સેરીટોઝ કોલેજનાં ફાઉન્ડર ચેરમેન પરિમલ શાહ, ઈન્ડો અમેરિકન કલ્ચર સોસાયટી ઓફ નોર્થ અમેરિકાનાં પ્રેસિડેન્ટ યોગી પટેલે પોતાનો ફાળો આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.