વડોદરા રેલ્વે સ્ટેશન પર ગાંજાના જથ્થા સાથે ઓરિસ્સાનો યુવક ઝડપાયો

ગુજરાતના સંસ્કારી નગરી ગણાતા વડોદરામાં રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-02 પર ગાંજાનો જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં અવાર નવાર નસીલા પદાર્થ પકડાવવાનો સીલસલો યથાવત્ જોવા મળી રહ્યો છે. આ વખતે વડોદરાના રેલ્વે સ્ટેશન પરથી પોલીસ દ્વારા કરવામાં આવેલ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન શંકાસ્પદ યુવકને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગઇકાલે બપોરે પોલીસ ટીમ સ્ટેશન પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પ્લેટફોર્મ નં-02 પર થાંભલા નંબર-22 પાસે એક યુવક બાંકડા પર બેઠો હતો. ગ્રે કલરની ટ્રોલીબેગ રાખી બેસેલા યુવકની હરકતો શંકાસ્પદ જણાતાં પોલીસે તેની પૂછપરછ કરી. બેગમાં શું છે? તેમ પૂછતાં તેણે ગાંજો હોવાનું સ્વીકારી લીધું. આશરે 18.140 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 1.81 લાખ રૂપિયા થાય છે. સાથે ટ્રોલીબેગ, મોબાઇલ, રોકડ રકમ, ચાર જનરલ ટ્રેન ટિકિટ, ચાર્જર અને ઇયરબડ મળી કુલ 1.87 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.

આ શખ્સની ઓળખ ઓરિસ્સા રાજ્યના કંઘમાલ જિલ્લાની બાલીગોડા તાલુકાના બદાકાંગીયા ગામના બિશીકેશન લૌચન્દ્ર બેહેરઘલાઇ તરીકે થઈ છે. આશંકા છે કે આરોપી ગાંજો અન્ય શહેરમાં પહોંચાડવા માટે મુસાફરી કરી રહ્યો હતો. રેલ્વે પોલીસે ગાંજાની હેરાફેરીના સંદર્ભે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.