અમદાવાદઃ નોર્વેનો હેરાલ્ડ બલાર્ડ નામનો યુવક ગુજરાતમાં છે. હેરાલ્ડ ભારતમાં અલગ અલગ જગ્યાએ ફરીને વીડિયો બનાવી રહ્યો છે. ગુજરાત આવેલાં હેરાલ્ડે અમદાવાદના રસ્તા પર કંઈક એવું કર્યું જેને જાણીને ચોંકી જશો. હેરાલ્ડે અમદાવાદમાં રોડ પર બેઠેલા એક વાળંદ પાસેથી વાળ કપાવ્યાં. વાળ તો કપાવ્યાં પરંતુ હેરાલ્ડ નામનો આ વ્યક્તિ વાળંદથી એટલો ખુશ થયો કે તેને 28 હજાર રુપિયા આપી દીધાં હતાં. તેની સાથે સેલ્ફી પડાવીને શેર પણ કરી.
હકીકતમાં હેરાલ્ડ વીડિયો બનાવવા માટે અમદાવાદના રસ્તાઓ પર ફરી રહ્યાં હતા ત્યારે તેમને વાળ કપાવવાનું સૂંઝ્યું અને રોડના કિનારા પર બેઠેલા એક વાળંદ પાસે જઈને તેઓ બેસી ગયા. વાળંદે હેરાલ્ડના વાળ કાપ્યાં. વાળ કપાવ્યાં બાદ હેરાલ્ડને લાગ્યું કે વાળંદ તેને ફોરેનર સમજીને વધારે પૈસા માગશે. પરંતુ વાળંદે તેમની પાસેથી માત્ર 20 રુપિયા માગ્યા. ત્યારે વાળંદની આ પ્રકારની ઈમાનદારી જોઈને હેરાલ્ડ ખુશ થયાં અને વાળંદને 20 રુપિયા આપ્યાં. ત્યારબાદ હેરાલ્ડે પોતાના ખીસ્સામાંથી 400 ડોલર કાઢીને વાળંદના હાથમાં મૂકી દીધાં.
હેરાલ્ડે જણાવ્યું કે તેમણે વાળંદને એટલા માટે આટલા પૈસા આપ્યા કારણ કે આ પૈસાથી તે પોતાની દુકાન માટે નવો સામાન ખરીદી શકે. આ વાતથી ખુશ થઈને વાળંદે હેરાલ્ડને કોફી પણ પીવડાવી. જો કે આ પ્રથમ એવી ઘટના નથી કે જ્યારે હેરાલ્ડે કોઈને મદદ કરી હોય. હેરાલ્ડ પોતાની યૂટ્યુબ ચેનલથી જે પૈસા કમાઈ રહ્યાં છે તે પૈસાને તેઓ જરુરિયાતમંદ લોકોમાં વહેંચતા રહે છે. હેરાલ્ડે તાજેતરમાં જ એક સરકારી શાળાને ફાળાના ભાગરુપે 70,000 રુપિયા આપ્યાં હતાં. તો આ સાથે જ હેરાલ્ડે ત્યાં બાળકો સાથે બેસીને મીડ જે મિલનું ભોજન પણ ગ્રહણ કર્યું હતું.