અમદાવાદ-વાદળીયાં વિખરાઈ ગયાંને ધોમધખતો તાપ ફરીથી તીવ્રતા સાથે જનજીવનને પ્રભાવિત કરી રહ્યો છે. હવામાનવિભાગ દ્વારા જણાવાયું હતું કે આગામી સોમવાર સુધીમાં 5 દિવસમાં ગરમી હજુ વધવાની શક્યતા છે. 24થી 28 એપ્રિલ ભારે ગરમી પડવાની સંભાવનાને લઇને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં આ પાંચ દિવસ પશ્ચિમ-ઉત્તરના ગરમ પવનો વાતાવરણમાં આગનો અનુભવ કરાવશે. 26 એપ્રિલના દિવસે અતિભારે ગરમીની આગાહીને લઇને અમદાવાદ શહેરમાં રેડ અલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે.અમદાવાદ શહેરનું તાપમાન 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. રાજ્યમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ગરમીએ જોર પકડ્યું છે. નાગરિકોને લૂ લાગવાથી બચવા માટે ખાસ સચેત કરવામાં આવ્યાં છે.રાજ્યના સૌરાષ્ટ્ર,અમદાવાદ, અને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાશે. ગઈકાલે મંગળવારે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં તાપમાનનો પારો ઉંચો રહ્યો હતો. ઉત્તર ગુજરાતના ડીસામાં મંગળવારે 42 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, રાજકોટમાં 42.5 ડિગ્રી, ભૂજમાં 41.8, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન અને ગાંધીનગરમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાવાના કારણે તાપમાનનો પારો ઉંચો જઈ રહ્યો છે તેના કારણે કાલે વોટિંગના દિવસે પણ બપોરના સમયે એકાએક તાપમાન વધીને 2 ડિગ્રી વધારે નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવવા પ્રમાણે આજે અને આવતીકાલે અમદાવાદનું તાપમાન યથાવત રહે તેવી વકી છે.