અમદાવાદઃ શહેરમાં હવે વાહન ચલાવતા લોકોએ પોતાના વાહનની સ્પીડ અંગે ખાસ ધ્યાન રાખવું પડશે. શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા એક જાહેરનામું અમલમાં મુકવામાં આવ્યું છે. આ જાહેરનામાનો અમલ ગઈકાલે મોડી રાતથી શરુ થઈ ગયો છે. હવેથી શહેરના રસ્તાઓ પર દોડતા વાહનો માટે ખાસ સ્પીડ લીમીટ નક્કી કરવામાં આવી છે. જો નક્કી કરવામાં આવેલી સ્પીડ લીમીટ ક્રોસ કરીને જો કોઈ વ્યક્તિ વ્હીકલ ચલાવતા ઝડપાશે તો તેની મોટર વ્હિલક એક્ટ 1988 કલમ 183(1),(2), 184 અને આઇપીસી-188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.
વ્હીકલ સ્પીડ લીમીટ
દ્વિચક્રીય વાહન 50 km/કલાક થ્રી વ્હીલર 40 km/કલાક 4 વ્હીલર 60 km/કલાક ભારે અને મધ્યમ વાહનો 40 km/કલાક |
પરિપત્ર પ્રમાણે, ફોર વ્હીલર સહિતના તમામ પ્રકારના વાહનો કેટલી સ્પિડમાં ચાલશે એની માહિતી આપી છે. પોલીસ કમિશ્નર એ.કે.સિંઘના જાહેરનામા પ્રમાણે મોટર વ્હીકલ એક્ટ, ૧૯૮૮ની કલમ ૧૧૨ (૨) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હદમાં આવતા એક્સપ્રેસ-વે, નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે તથા શહેરમાંના અન્ય માર્ગ ઉપર પસાર થતાં વાહનો અકસ્માતો ઘટાડવા અને વધારે ગતીવાળા વાહનોના અકસ્માતથી થતી ઇજા-નુકસાનની માત્રા ઘટાડી માર્ગ સલામતી સ્તરમાં સુધારણા સાથે રાહદારી અને મુસાફરી કરતાં નાગરીકો સહીત જાહેર જનતાને સુરક્ષા પ્રદાન કરવા હેતુસર વાહનોની ગતિ મર્યાદા સંબંધે હુકમ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, આ જાહેરનામાની જોગવાઇ એમ્બ્યુલન્સ, મેડિકલ ઇમર્જન્સી સંલગ્ન વાહનો, પોલીસ સુરક્ષામાં કોન્વોય પ્રવાસરૂપે કરી રહેલા સુરક્ષીત મહાનુભાવોના વાહનો, ફાયર ફાઈટર, ઇમરજન્સી સર્વિસમાં રોકાયેલા પોલીસ વહીવટીતંત્રના વાહનોને લાગુ પડશે નહીં. આ આદેશનું ઉલ્લંઘન કરનાર મોટર વ્હીકલ એક્ટ 1988 કલમ -183 (1),(2), 184 અને IPC-188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ શિક્ષાને પાત્ર થશે.