મધ્યસ્થી કેસોના નિકાલમાં ગુજરાત અગ્રેસરઃSC જજ બોબડે

ગાંધીનગર- ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના ગુજરાત હાઈકોર્ટ પરિસરમાં રૂ.૧૨ કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલ નૂતન ભવનનું આજે આજે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ અને રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ એસ.એ.બોબડેએ કાયદા પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને કાયદા રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યુ હતું.

જસ્ટીસ બોબડેએ જણાવ્યું કે, ગુજરાત લવાદ-મધ્યસ્થી દ્વારા કેસોના સુખદ સમાધાન માટે દેશભરમાં અગ્રેસર છે. ગુજરાતે લોક અદાલત જેવા ઉપક્રમો દ્વારા મોટા પ્રમાણમાં કેસોનો નિકાલ કર્યો છે.

ગુજરાતના વડોદરામાં ગાયકવાડ શાસનમાં પણ મીડીયેશનની વ્યવસ્થા હતી તે દ્રષ્ટિએ ગુજરાતમાં મધ્યસ્થીથી કેસનો નિકાલ લાવવાનો ગુજરાત બહુ જુનો ઇતિહાસ ધરાવે છે.

વધતી વસતી અને સ્થળાંતરને કારણે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે તેવા સમયે કોર્ટ અને ન્યાય ખૂબ મહત્વના બની જાય છે.

કાયદા પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ તકે જણાવ્યું કે, કાનૂની સેવા સત્તા મંડળ એ એકેડમી નથી, પરંતુ સેવા સંસ્થા છે. છેલ્લા એક વર્ષમાં તેના દ્વારા ૧૫ હજાર કેસોનો નિકાલ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકાર દ્વારા સેવા સત્તા મંડળને જરૂરી સગવડો પુરી પાડવામાં આવી છે કારણ કે, રાજ્ય સરકાર માને છે કે, વ્યક્તિ કે સંસ્થા સારું કાર્ય ત્યારે જ કરી શકે કે જ્યારે તેને સારી સગવડો આપવામાં આવે. આથી જ રાજ્યની તાલુકા અને જિલ્લા કોર્ટો  પણ સુવિધાયુક્ત હાઇકોર્ટ જેવી બનાવવામાં આવી છે.

કાયદા રાજ્યપ્રધાન પ્રદીપસિંહજી જાડેજાએ જણાવ્યું કે, રાજ્ય સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સાથે હવે સૌને ન્યાયના મંત્રને લઈને ચાલી રહી છે. ચાલુ વર્ષે કાયદા વિભાગ માટે રાજ્ય સરકારે રૂપિયા ૧૬૫૦ કરોડના માતબશ્ર બજેટની જોગવાઇ કરી છે.