આણંદઃ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ની સંપૂર્ણ માલિકીની સહાયક કંપની IDMCએ નિવેદિતા ફાઉન્ડેશનની સહાયથી તેની CSR પહેલ હેઠળ આણંદમાં આવેલાં વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC)ને ECG મશીન દાનમાં આપ્યાં હતાં. NDDB અને IDMC લિ.ના ચેરમેન મિનેશ શાહે નિવેદિતા ફાઉન્ડેશનનાં ચેરપર્સન શ્રીમતી નિપા કમલ પટેલ અને IDMC લિ.ના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ સુબ્રમણ્યમની હાજરીમાં આ ECG મશીન સોંપ્યાં હતાં.
આ પ્રસંગે NDDBના ચેરમેને જણાવ્યું હતું કે IDMC પરવડે તેવાં ઉપકરણો અને મશીનરીનું ઉત્પાદન કરીને ભારતના ડેરી ક્ષેત્રના વિકાસ માટે તો કટિબદ્ધ છે જ, પરંતુ તેની સાથે-સાથે એ વિવિધ હોસ્પિટલો સાથે સહયોગ મારફતે આરોગ્ય સેવા પૂરી પાડીને નાગરિકોનું કલ્યાણ કરવા અને પોષણ માટે NDDB ફાઉન્ડેશનની ગિફ્ટ મિલ્ક યોજના મારફતે કુપોષણને નાબૂદ કરવા પણ એટલી જ કટિબદ્ધ છે.
તેમણે જણાવ્યું હતું કે જો આરોગ્યને લગતી કોઈ મોટી કટોકટી પેદા થઈ જાય તો તેની પાછળ થતા મોટા ખર્ચ અથવા તો ઘરની કમાણી કરનારી મુખ્ય વ્યક્તિનું નિધન થઈ જવાને કારણે પરિવાર પર મોટી આફત આવી પડે છે. આથી જ નાગરિકોના આરોગ્યને સલામત રાખવા માટે યોગ્ય ક્ષમતા અને આંતરમાળખું એ ઉત્તરદાયી સમાજના કોઈ પણ માર્ગદર્શક માળખાનો હિસ્સો હોવું જોઈએ.
તેમણે જણાવ્યું હતું કે હું નિવેદિતા ફાઉન્ડેશન અને IDMC લિ. એમ બંને સંગઠનોનો આભાર માનું છું, કારણ કે તેમણે સાથે મળીને આ વિસ્તારના નાગરિકો માટે હૃદય સંબંધિત જટિલતાઓના નિવારણ અને વહેલા નિદાનને શક્ય બનાવવા એક દ્રઢ પગલું લીધું છે.
IDMC લિ. પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતાં શ્રીમતી નિપા પટેલે જણાવ્યું હતું કે નિવેદિતા ફાઉન્ડેશનને આરોગ્ય સેવાના ક્ષેત્રમાં રહેલાં સંસાધનોના અભાવને દૂર કરવાની જરૂરિયાતને ઓળખી કાઢી હતી અને આણંદમાં આરોગ્ય સેવાના નિરીક્ષણ અને સારવારની સહાયને સુધારવા માટે IDMC લિ. સાથે સહભાગીદારી કરવાનો નિર્ણય લીધો હતો. તેમણે ઉમેર્યું હતું કે અમારું માનવું છે કે IDMC સાથેનો અમારો સહયોગ ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાની સ્થિતિને ચોક્કસપણે સુધારશે. આ પ્રવૃત્તિને કારણે લાભાન્વિત થનારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો નાવલી, વિરસદ, નાર, સારસા, ભેતાસી, વાડોદ અને ભાદાણીમાં આવેલાં છે.