બે કોન્સ્ટેબલે પોલિસને ચડાવી ચકરાવે, સ્યૂસાઈડ નોટ લખી ગુમ થનાર હાજર…

અમદાવાદઃઅમદાવાદ પોલિસના બે કોન્સ્ટેબલ જે રહસ્યમય રીતે તેમના સીનિયર ઉપર આક્ષેપો મૂકીને ગુમ થઈ ગયાં હતાં તેમાંથી એક એવી જ નાટ્યાત્મકઢબે શનિવારે હાજર થઈ ગયાં હતાં. પોલિસવિભાગને હલબલાવનાર આ પોલિસ કોન્સ્ટેબલની પોલિસે ધરપકડ કરી છે.

પોલિસ કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ 2 લાખનો તોડ કર્યાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતાં સાથી કોન્સ્ટેબલ સાથે ફરાર થઈ ગયો હતો, પરંતુ ફરાર થયા બાદ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધતાં એક પોલીસકર્મી હાજર થયો જેની પોલીસે ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

પોલિસ અધિકારીએ કૌશલ ભટ્ટની ધરપકડ અંગે જણાવ્યું કે, ગુનાના ફરાર આરોપી કોન્સટેબલ કૌશલ ભટ્ટ પોતાના વકીલ સાથે રાતે હાજર થતા એમની કસ્ટડી મળી છે ને અટકાયત કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે. આગળ એમની પૂછપરછ કરી બે લાખ રૂપિયાના તોડ બાબતે તપાસ કરાશે. ફરિયાદમાં એક અજાણ્યો ઈસમ છે એની પણ તપાસ થશે. તોડના પૈસા રિકવર કરવા કાર્યવાહી કરવામાં આવશે. જીગર સોલંકી બાબતે પણ પૂછપરછ કરી છે. કંઈ માહિતી નથી મળી. કૌશલની માનસિક સ્થિતિ બરાબર ન હતી એટલે એ પોતે ક્યાં ફર્યો છે એ બાબતે વ્યવસ્થિત જવાબ આપતો નથી.

કૌશલ ભટ્ટ કે જેણે પોતાના અન્ય બે સાથીઓ સાથે મળી 2 લાખનો તોડ કર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે. અને તે હાજર થતાં પોલિસે તેની ધરપકડ કરી પૂછપરછનો દોર શરૂ કર્યો છે. અન્ય પોલિસ કોન્સ્ટેબલ જીગર સોલંકી ક્યાં છે, તોડના લાખ કોની પાસે છે, તોડ કાંડમાં અન્ય ત્રીજો વ્યક્તિ કોણ છે, અને સ્યૂસાઈડ નોંટ લખ્યા બાદ બન્ને ક્યાં ગયાં હતાં તે તમામ સવાલોના જવાબ મેળવવા માટે કાર્યવાહી હાથ ધરી છે. કૌશલ ભટ્ટની વિરુદ્ધમાં અગાઉ પણ 3 વખત તોડ કરવાના આક્ષેપ થયાં છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 7 દિવસથી પોલિસવિભાગમાં ચાલી રહેલાં નાટકનો અંત આવ્યો છે. વિવાદાસ્પદ બની રહેલા આ કિસ્સામાં બે પોલીસ કર્મી 2 લાખનો તોડ કર્યો છે, તેવી જાણ થતાં તપાસના આદેશ આપવામાં આવ્યાં હતાં.જે તપાસથી બચવા માટે બે પોલીસ કોન્સસ્ટેબલ કૌશલ ભટ્ટ અને જીગર સોલંકી સ્યૂસાઈડ નોટ લખી ફરાર થઈ ગયાં હતાં. જેમાં તેમણે પીઆઈ તથા ઉચ્ચ અધિકારી સામે હેરાનગતિના આક્ષેપો કર્યાં હતાં, પરંતુ સ્યૂસાઈડ નોટથી પોલીસ અધિકારીઓ પર કોઈ પ્રેસર ન લાવી શકાતાં કોન્સ્ટેબલ કૌશલ ભટ્ટ આખરે રાતના અંધારામાં પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો અને તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.