અમદાવાદમાં મેટ્રો થઈ ઠપ! મુસાફરો પરેશાન

અમદાવાદ મેટ્રોમાં મુસાફરી કરનારાઓ માટે મોટી અસુવિધાના સમાચાર સામે આવ્યા છે. શાહપુરથી જૂની હાઈકોર્ટના રૂટ પર કેબલ ચોરી અને વસ્ત્રાલથી થલતેજના રૂટ પર ટેક્નિકલ ખામીના કારણે મેટ્રો સેવાઓ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી છે. આના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બુધવારે (21 મે, 2025) રાત્રે શાહપુરથી જૂની હાઈકોર્ટ વિસ્તારમાં મેટ્રોના વીજ પુરવઠા માટેના કેબલની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી છે. જેના પરિણામે એપરલ પાર્કથી શાહપુર સુધીની મેટ્રો સેવા વહેલી સવારથી બંધ કરવામાં આવી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) તરફથી આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. અમદાવાદ પોલીસે કેબલ ચોરીની ઘટનાની તપાસ શરૂ કરી છે, અને મેટ્રો વિભાગે સમારકામની કામગીરી હાથ ધરી છે. જોકે, આ સેવા ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઈ સ્પષ્ટ સમયમર્યાદા જાહેર કરવામાં આવી નથી, જેના કારણે મુસાફરોમાં રોષ જોવા મળ્યો છે.

જ્યારે બીજી બાજુ વહેલી સવારથી વસ્ત્રાલથી થલતેજ અને થલતેજથી વસ્ત્રાલ તરફ જતી મેટ્રો સેવા પણ ટેક્નિકલ ખામીના કારણે બંધ કરવામાં આવી છે. GMRC દ્વારા માઈક દ્વારા મુસાફરોને જાણકારી આપવામાં આવી હતી કે, આ રૂટ પરની સેવા અસ્થાયી રૂપે બંધ રહેશે. જોકે, વસ્ત્રાલ ગામથી એપરલ પાર્ક અને એપરલ પાર્કથી વસ્ત્રાલ ગામ સુધીની સેવા રાબેતા મુજબ ચાલુ રહેશે. આ ખામીનું ચોક્કસ કારણ અને સમારકામનો સમયગાળો હજુ સ્પષ્ટ કરવામાં આવ્યો નથી, જેના કારણે ઓફિસ જતા લોકોને અચાનક ધક્કો ખાવો પડ્યો છે. આ બંને રૂટ પર મેટ્રો સેવા બંધ થવાથી ખાસ કરીને સવારના સમયે ઓફિસ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

GMRCએ હજુ સુધી આ બંને ઘટનાઓ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, જેના કારણે મુસાફરોમાં મૂંઝવણ અને અસંતોષ વધ્યો છે. મેટ્રો વિભાગે સમારકામની કામગીરી શરૂ કરી હોવાનું જણાવાયું છે, પરંતુ સેવા ફરી શરૂ થવાનો સમય અંગે કોઈ સ્પષ્ટતા નથી. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ વૈકલ્પિક વાહન વ્યવસ્થાનો ઉપયોગ કરે અને નવીનતમ અપડેટ્સ માટે GMRCની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ અથવા સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર નજર રાખે.