અમદાવાદઃ ગુજરાતની દીકરી સ્વાતિ રાવલે કોરોના મહામારી સામેના યુદ્ધમાં એક એવું સાહસિક કાર્ય કર્યું છે કે હાલ ચારેકોર એની વાહ વાહ થઇ રહી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીથી લઈને ભાવનગર, આણંદ સુધી એને અભિનંદન મળી રહ્યા છે. સોશ્યલ મીડિયામાં રાતોરાત એકદમ હીરો બનીને છવાઈ ગયેલી ગુજરાતણ સ્વાતિ રાવલ છે કોણ એ જાણો છો?
મૂળ ભાવનગરના વતની સ્વાતિ રાવલ અત્યારે એર ઈંડિયામાં પાઇલોટ તરીકે એમની સેવાઓ આપે છે. એ એર કમાંડકર તરીકે ફરજ બજાવે છે. ઇટાલીમાં અત્યારે સૌથી ખરાબ પરિસ્થિતિ છે ત્યારે પોતાનો કે પરિવારનો વિચાર કર્યા વગર બે સંતાનોની માતા એવા સ્વાતિબેન એર ઈંડિયાના બોઇંગ 777 દ્વારા ઇટાલીના રોમમાં ફસાયેલા 263 ભારતીય ભારતીય નાગરિકોને સહી સલામત ભારત લાવ્યા છે, આ પૈકી મહત્તમ વિદ્યાર્થીઓ હતા.
આ સ્વાતિ રાવલ છે કોણ?
મૂળ બોટાદના રોહીશાળાના અને ભાવનગરમાં સ્થાયી થયેલા ગુજરાતના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સેવા નિવૃત થયેલા શંકરભાઇ રાવલ (એસ.ડી.રાવલ) અને હંસાબહેન રાવલની ચાર દીકરીઓ પૈકીની બીજા નંબરની દીકરી એટલે સ્વાતિ. સ્વાતિથી મોટી આરતી. એનાથી નાની બે બહેનો નીલમ અને નચિકેતા. શંકરભાઇ રાવલ બહુ પ્રગતિશીલ એટલે ચારેય દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપ્યું છે. શંકરભાઇ નિવૃત્તિ પછી સામાજિક કાર્યોમાં સેવા આપે છે. સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના એ ટ્રસ્ટી છે.
આરતી રાવલે ઝૂઓલોજી અને એન્વાયરમેન્ટ-પર્યાવરણ એમ બે અલગ અલગ વિષયમમાં એમએસસી કર્યું છે. સ્વાતિએ 12માં ધોરણ સુધી ભાવનગરમાં ભણતર લીધું એ પછી પાયલોટ બનવાની પ્રાથમિક તાલીમ વડોદરાથી લીધી હતી. વધુ અભ્યાસ માટે એ ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં આવેલી ‘ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય ઉરણ ઍકૅડેમી’માં 2002માં ગયેલા. અહીં જ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં એર ઇન્ડિયામાં 2006માં જોડાયા અને આજે છે એ મુકામ ઉપર પહોંચ્યા છે. સ્વાતિએ હાજીપુર, બિહારના બિઝનેસમેન અજિત કુમાર ભારદ્વાજ સાથે લગ્ન કર્યા છે અને દિલ્હીમાં જ રહે છે. એને પાંચ વર્ષનો એક દીકરો અને દોઢ વર્ષની દીકરી છે.
આણંદમાં મોટી દીકરી આરતીના ઘરે આવેલા શંકરભાઇ રાવલે ચિત્રલેખા.કોમ ને જણાવ્યું હતું કે, અમને અમારી દીકરી ઉપર ગૌરવ છે. ઇટલી જવાનું નક્કી થયું ત્યારે અમને જરા ચિંતા થઇ ગયેલી, પણ એણે એ પડકારને ઝીલ્યો અને ઍર ઇન્ડિયાએ એને આપેલ કામ સફળતાથી પૂરું કર્યું. અમે એની સાથે વાત કરીએ છીએ એ એકદમ સાજી છે અને હાલ સાવચેતીના ભાગરૂપે 14 દિવસ માટે આઇસોલેશનમાં જતી રહી છે. દિલ્હીના એના જ ઘરમાં અલગ રૂમમાં એકલી જ રહે છે. સંતાન કે અન્ય સભ્યોને પણ એ મળતી નથી. એની જમવાની થાળી પણ એના રૂમમાં જાય છે.
સ્વાતિની નાની બહેન પણ પાયલોટ છે. સ્વાતિની સૌથી નાની બહેન નચિકેતા પણ પાયલોટ છે અને ‘સ્પાઇસ જેટ’ની કમર્શિયલ ફ્લાઇટ ઉડાડે છે. એ ચેન્નાઈમાં છે અને એક દક્ષિણ ભારતીયને પરણી છે. સ્પાઇસ જેટની ફલાઇટ બંધ થઇ છે એટલે એ આજે 24મી માર્ચેના મંગળવારે દિલ્હી મોટી બહેનના ઘરે જ પહોંચી છે. એક જ ઘરની બે દીકરી પાયલોટ બની છે એટલે ભાવનગર અને આસપાસના આનેક લોકો શંકરભાઇ રાવલ પાસે માર્ગદર્શન લેવા આવે છે કે દીકરીને પાયલોટ કરી રીતે બનાવાય. શાંકભાઈ રાવલ કહે છે, અનેક મા-બાપ પોતાની દીકરીને પાયલોટ બનાવવાની નેમ રાખે છે અને એ માટે માહિતી લેવા મારી પાસે આવે છે.
શંકરભાઇ કહે છે, જે સમયે સ્વાતિએ રાયબરેલીમાં પ્રવેશ લીધો હતો ત્યારે હાલ છે એવું સલામત વાતાવરણ ન હતું. ભાવનગરથી જયારે પણ સ્વાતિએ રાયબરેલી જવાનું હોય ત્યારે મારે કે પરિવારના કોઈ એક સભ્ય એ એને મૂકવા જવી પડતી હતી. આજે અલગ છે, સમાજ દીકરીઓને આગળ વધારવા માંગે છે. આજે અમારી સ્વાતિ બોઇંગ 777 ચલાવે છે એટલે સામાન્ય રીતે એ અમેરિકા કે કેનેડાની ફલાઇટમાં જ વધુ હોય છે.
સ્વાતિના મમ્મી હંસાબહેન કહે છે, અમારી દીકરીને સોંપેલું કાર્ય એ સાર્થક કરીને આવી છે. હું તો બધાને કહું છું દીકરી-દીકરામાં ફર્ક ના રાખો. દીકરીએ જે કામ કરવું હોય, જે ક્ષેત્રમાં આગળ વધવું હોય વધવા દો, એમને પ્રોત્સાહન આપો. નારી શક્તિ મહાન છે એની શક્તિનો ઉપયોગ થવા દો.
(ફયસલ બકીલી-સુરત)