સુરતમાં સામૂહિક આપઘાત, દેવામાં ફસાયેલા પરિવારે દવા ગટગટાવી

સુરત: શહેરના અમરોલી વિસ્તાર સ્થિત એન્ટેલિયા ફ્લેટમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી. આ પરિવારમાં પિતા, માતા અને 30 વર્ષીય પુત્રનો સમાવેશ થાય છે. જાણ થતાં તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં ડૉક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા.

લેણદારોની હેરાનગતિથી મજબૂર પરિવાર

પ્રાથમિક માહિતી મુજબ, પિતા-પુત્ર હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા હતા. ઉદ્યોગમાં આવેલ મંદી અને વધતા કરજથી પરિવાર પર આર્થિક બોજ વધતો ગયો. તેઓએ નવો ફ્લેટ લીધો હતો, જેમાં ચાર હપ્તા બાકી હતા. આ ઉપરાંત, રોજગાર ગુમાવવાના કારણે અન્ય જગ્યાએથી પણ નાણાં ઉધાર લેવાના બન્યા. લેણદારોની સતત હેરાનગતિથી કંટાળીને ભરતભાઇ સસાંગિયા, તેમની પત્ની વનિતા સસાંગિયા અને પુત્ર હર્ષ સસાંગિયાએ આ ભયાનક પગલું ભર્યું.

સુસાઇડ નોટમાં ઉલ્લેખિત લેણદારોના નામ

પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. મકાનમાંથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં લેણદારોના નામો ઉલ્લેખવામાં આવ્યા છે. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા તમામ પાસાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.