અમદાવાદઃ 3 ડિસેમ્બર એટલે કે વિશ્વ દિવ્યાંગ દિને અમદાવાદ સહિત દેશમાં અનેક સ્થળોએ દિવ્યાંગોના લાભાર્થે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કુદરતી કે કૃત્રિમ રીતે શરીરમા દિવ્યાંગતા ભોગવતા મનુષ્યોની સહાયતા માટે અનેક શૈક્ષણિક સંસ્થાઓ, સામાજીક સંસ્થાઓ તેમજ સરકારના વિભાગો સતત કાર્ય કરતા હોય છે. વિશ્વ દિવ્યાંગ દિને અમદાવાદ-ગાંધીનગરમાં પણ જૂદી જૂદી સંસ્થાઓમાં દિવ્યાંગોને સમાજમાં એક ઉંચેરુ સ્થાન મળે એવા પ્રયાસ રુપે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
શહેરના અપંગ માનવ મંડળ સાથે સંકળાયેલા દિવ્યાંગજનો તેમજ સંચાલકોએ ઇડીઆઇ ગાંધીનગર, સમાજ કલ્યાણ ખાતા સહિતના અનેક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. જ્યારે અપંગ માનવ મંડળ સંસ્થા સાથે જોડાયેલા બંકીમ પાઠકે એક સંગીતનો કાર્યક્રમ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે રાખ્યો જેમાં દિવ્યાંગજનોને ઉપયોગી સાધનોનું પણ વિતરણ કરવામાં આવ્યું.
શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ સંસ્થાએ પોતાના પ્રાંગણમાં મનોદિવ્યાંગ બાળકો માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કર્યું હતું. આ ચિત્ર સ્પર્ધામાં બાળકોએ કુદરતી દ્રશ્યો, રાષ્ટ્રધ્વજ જેવા ચિત્રો દોર્યા હતા. શહેરના આશ્રમ રોડ પર આવેલી મૂક-બધિરો માટેની શાળામાં એક કાર્યક્રમ યોજાયો જેમાં દિવ્યાંગ યુવતી કલગીનું માર્ગદર્શક વક્તવ્ય રાખવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં દિવ્યાંગોએ પોતાના હક્કો માટે એક રેલીનું આયોજન પણ કર્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)