જ્યારે હાર્દિક પટેલને ચાલુ સભામાં એક વ્યક્તિએ લાફો માર્યો…

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના વઢવાણ નજીક બલદાણામાં આજે એક ચૂંટણી સભામાં હાર્દિક પટેલને એક વ્યક્તિએ ચાલુ ભાષણે લાફો ઝીંકી દેતા નવો વળાંક આવ્યો છે.હાર્દિક જ્યારે ભાષણ કરી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને અચાનક લાફો ઝીંકી દીધો હતો. ત્યારબાદ સભામાં છૂટ્ટાહાથની મારામારી થઈ હતી.

આ ઘટના બાદ કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો છે કે, આ બધુ ભાજપના ઈશારે થયું છે. ભાજપના ઈશારે કોંગ્રેસ પર હુમલો કરાયો છે. ત્યારે હાર્દિક પટેલને લાફો મારનાર યુવકનું નામ પણ સામે આવ્યુ છે. કડીના જેસલપુરના રહેવાસી યુવક તરુણ મિસ્ત્રીએ હાર્દિક પટેલને તમાચો માર્યો છે.

હાર્દિક જ્યારે સ્ટેજ પરથી ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક શખ્સ સ્ટેજ પર ચડી ગયો હતો અને હાર્દિકને લાફો માર્યો હતો. અચાનક જ લાફાવાળી થતાં હાર્દિક હેબતાઈ ગયો હતો. ઘટના બાદ સ્થાનિકોએ હાર્દિકને લાફો મારનારની બેફામ ધોલાઈ કરી હતી.

પોલીસની હાજરીમાં જ ટોળાએ યુવાનને ઢોર માર માર્યો હતો. લોકો એટલી હદે માર માર્યો હતો કે યુવાનના કપડાં ફાટી ગયા હતા. પોલીસ જ્યારે તેને હોસ્પિટલ લઈ જવા ગાડીમાં બેસાડતી હતી ત્યાં સુધી તેને માર માર્યો હતો. પોલીસની હાજરી હોવાછતાં તેને માંડમાંડ બચાવી હોસ્પિટલ ખસેડ્યો હતો.

પાસ કન્વીનર મનોજ પનારાએ ભાજપ પર મોટો આરોપ લગાવ્યો કે, હાર્દિક પટેલની હત્યા કરાવવાનું કાવતરુ કરવામાં આવી રહ્યું છે. તપાસમાં આ શખ્સ ભાજપનો જ નીકળશે. અમે જલ્દીમાં જલ્દી માંગ કરીએ છીએ કે, હાર્દિકને સુરક્ષા આપવામાં આવે. તેના પર જીવનું જોખમ છે. પણ, સરકાર તેને સુરક્ષા કે કમાન્ડો નથી આપતી. જો હાર્દિક ભાજપમાં જોડાયો હોત તો ભાજપે તેનું હાર પહેરાવીને સ્વાગત કર્યું હોત, પણ તે કોંગ્રેસમાં જોડાયો છે તેથી તેના પર આવુ કરવામાં આવી રહ્યું છે. આ એક હુમલા પ્રચકારની રાજનીતિ ગુજરાતમાં થઈ રહી છે.

પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ કહ્યું કે, કોંગ્રેસ એક પાર્ટી છે હવે હાર્દિક પટેલે રાજકીય પાર્ટીનો હાથ પકડ્યો છે અને હવે એ સામાજિક આંદોલનનો ભાગ નથી રહ્યો. હવે એ રાજકીય પાર્ટીનો ભાગ છે એટલે કોઇ રાજકીય પાર્ટીનો પ્રચાર કરવો એ સ્વાભાવિક છે. પ્રચાર વખતે એમાં અડચણ કરવી એ ખોટું છે. જે કંઇ પણ એ ખોટું છે.