અમદાવાદઃ દુનિયાભરમાં આયુર્વેદિક ઔષધિઓની માગ દિનપ્રતિદિન વધી રહી છે, ત્યારે તેની ગુણવત્તા આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબની બનાવવાની બાબત પર ભાર મુકવામાં આવી રહ્યો છે. જેને લઈને આજે એક્યુપ્રેક રિચર્ચ લેબના પરિસરમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં આયુર્વેદિક દવાઓના ઉત્પાદકોએ એવો મત વ્યક્ત કર્યો હતો કે, આયુષ મંત્રાલય તરફથી છેલ્લા થોડા મહિનાઓમાં બહાર પાડવામાં આવેલા નવા નિયમો ઉપયોગી બની રહેશે.
જીસીસીઆઈના પ્રમુખ ડૉ. જૈમીન વસાના મુખ્ય અતિથિપદે યોજાયેલા ચર્ચાસત્રમાં ગામાની કારોબારી સમિતિના હોદ્દેદારોએ ચર્ચાવિચારણા કરી હતી. ગામાના પ્રમુખ પ્રબોધભાઈ શાહ,જમનભાઈ માલવિયા અને હાર્દિકભાઈ ઉકાણીએ વિવિધ મુદ્દાઓ ઈન્ટરએક્ટીવ મિટીંગમાં ઊઠાવ્યા હતાં.
બેઠકમાં ડૉ.વસાએ માહિતી આપી હતી કે, આયુષ મંત્રાલય તથા સુક્ષ્મ, લઘુ અને મધ્યમ એકમોના વિભાગ એમએસએમઈ વચ્ચે સંકલન વધારવામાં આવ્યું છે અને હવેથી આયુર્વેદિક દવાઓના ઉત્પાદકોને પણ એમએસએમઈની વિવિધ યોજનાઓના લાભ મળતા થઈ જશે. આ લાભોમાં લોનના વ્યાજ પરની સબસિડી,રિસર્ચ કે ઈનોવેશન માટે ખાસ ભંડોળની ફાળવણી અને પ્રદર્શનોમાં ભાગ લેવા માટે કેન્દ્ર તથા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી સબસિડી સહિતની યોજનાઓનો સમાવેશ થાય છે.
જીસીસીઆઈ તરફથી એમએસએમઈને લગતી સમસ્યાઓ તથા મૂંઝવતા પ્રશ્નો વિશે માર્ગદર્શન આપવા ખાસ હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યો છે. જીસીસીઆઈના સભ્ય ન હોય તેવી વ્યક્તિ કે સંગઠનો પણ આ હેલ્પડેસ્કમાં ફોન કરીને કે ઈમેઈલ વડે માર્ગદર્શન મેળવી શકે છે. ફોન નંબર ૦૭૯-૨૬૫૮૨૩૦૧, ૨,૩, ૪ એ ચારમાંથી કોઈપણ ફોન નંબર પર સંપર્ક સાધીને માર્ગદર્શન મેળવી શકે છે. આયાત-નિકાસને લગતા પ્રશ્નો માટે પણ આવા જ હેલ્પડેસ્કની સ્થાપના જીસીસીઆઈ તરફથી કરવામાં આવી છે. આઈપીઆર નિષ્ણાત પદ્મીન બુચના વડપણ હેઠળ વિદેશ સમિતિ રચવામાં આવી છે અને તેમના માર્ગદર્શન મુજબ જીસીસીઆઈનું પ્રતિનિધિમંડળ દક્ષિણ કોરિયાની મુલાકાતે જશે.
બેઠકમાં ગામાના હોદ્દેદારો – શ્રીરામ ગાંધી, દક્ષેશ શાહ, ઝીલ શાહ, જયેન્દ્ર સોની,ડૉ. હરેશ પટેલ અને મનિષે પણ ચર્ચા વિચારણામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે એક્યુપ્રેકના ડિરેક્ટરો – મયુર કંડોરીયા, ડૉ. રીના ગોકાણી અને સીઈઓ ડૉ. મનીષ રાચ્છે કંપનીને આયુર્વેદિક દવાઓ તથા તેના ઉત્પાદનમાં વપરાતા કાચા માલના ટેસ્ટીંગ માટે આયુષ મંત્રાલયે તાજેતરમાં આપેલી મંજૂરીની વિગતો રજૂ કરી હતી અને વિકાસની ભાવિ રૂપરેખા અંગે પ્રેઝન્ટેશન આપ્યું હતું.
એક્યુપ્રેક હાલમાં ફાર્મા,મેડિકલ ડિવાઈસ, ખાદ્ય પદાર્થ, પાણી વગેરેના ટેસ્ટીંગ તેમજ દવાઓની ફોર્મ્યુલા વિકસાવવા ઉપરાંત પ્રિ-ક્લિનિકલ ટેસ્ટીંગ સહિતના અવનવા સંશોધનોને લગતી કામગીરી હાથ ધરવામાં આવે છે. આ કોન્ટ્રાક્ટ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (સીઆરઓ)ને ઉત્કૃષ્ટ તથા ઈનોવેટીવ સંશોધન માટે રાષ્ટ્રીય સ્તરે બે તથા રાજ્ય કક્ષાએ એક એવોર્ડ પણ હાંસલ થયાં છે.