અમદાવાદ: રાજ્યના મહાનગરોમાં રખડતા ઢોર, ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક નિયમોના ભંગની સમસ્યાઓને લઈને એડવોકેટ અમિત પંચાલે ગુજરાત હાઈકોર્ટમાં કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરી હતી. આના જવાબમાં હાઈકોર્ટે સરકાર અને સંબંધિત સત્તાધિકારીઓને કડક ચેતવણી આપી હતી. પરિણામે, ટ્રાફિક વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સહિતના વિભાગોએ તાત્કાલિક પગલાં લઈને રસ્તાઓ અને ફૂટપાથ પરના ગેરકાયદે દબાણો હટાવવાની સાથે નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી.
અદાલત સમક્ષ રજૂ કરાયેલા અહેવાલ મુજબ, ટ્રાફિક વિભાગે માત્ર 20 દિવસમાં એટલે કે 27 ફેબ્રુઆરી, 2025થી 18 માર્ચ, 2025 સુધીમાં 2 લાખથી વધુ ટ્રાફિક નિયમભંગના કેસ નોંધીને 13.21 કરોડ રૂપિયાથી વધુનો ઐતિહાસિક દંડ વસૂલ્યો છે. આ ઉપરાંત, રસ્તાઓ પરથી 1169 લારી-ગલ્લા, 352 શેડ્સ, 1945 સ્ટોલ્સ અને 7181 અન્ય દબાણો દૂર કરવામાં આવ્યા છે. સીએનસીડી વિભાગે પણ 20 ટીમો દ્વારા 241 રખડતા ઢોર પકડીને તેમને આરએફઆઈડી ટેગ લગાવ્યા છે.
જસ્ટિસ એ.એસ. સુપહીયા અને જસ્ટિસ નિશા એમ. ઠાકોરની ખંડપીઠે સત્તાધિકારીઓના આ પ્રયાસોની પ્રશંસા કરી અને આ કામગીરી સતત ચાલુ રાખવા સૂચના આપી. ટ્રાફિક વિભાગે કોર્ટને ખાતરી આપી કે આ પ્રકારની કાર્યવાહી ભવિષ્યમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે. આ દરમિયાન 1099 ટ્રાફિક પોલીસ જવાનોએ ‘વાયોલેશન ઓન કેમેરા’ મોબાઈલ એપનો ઉપયોગ કરીને નિયમભંગના કેસ નોંધ્યા, જ્યારે શહેરમાં 249 નવા ટ્રાફિક સિગ્નલ સ્થાપિત કરવામાં આવ્યા.
રાજ્ય સરકારના મુખ્ય વકીલ ગુરશરણસિંહ વિર્કે કોર્ટમાં આંકડાઓ રજૂ કરતાં જણાવ્યું કે, સૌથી વધુ 1,09,651 કેસ હેલ્મેટ ન પહેરવા બદલ નોંધાયા, જેમાંથી 5.48 કરોડ રૂપિયાનો દંડ વસૂલાયો. રોંગ સાઈડ ડ્રાઈવિંગના 8189 કેસમાં 1.65 કરોડ અને બેફામ ઝડપે વાહન ચલાવવાના 6922 કેસમાં 1.59 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો. પાર્કિંગ નિયમોના ભંગ માટે 24,000થી વધુ કેસ નોંધાઈને 1.41 કરોડ રૂપિયા એકત્ર કરાયા. આ સમગ્ર કાર્યવાહીને હાઈકોર્ટે સકારાત્મક પ્રતિસાદ આપ્યો અને સત્તાધિકારીઓને આવા પગલાં ભવિષ્યમાં પણ ચાલુ રાખવા જણાવ્યું. આ પગલાંથી શહેરના રસ્તાઓ અને ટ્રાફિક વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
