જામનગર: જામનગરમાં પણ ” મહા ” વાવાઝોડાની અસરના ભાગરૂપે છેલ્લા ચાર દિવસથી સતત કમોસમી વરસાદ અને માવઠું જોવા મળી રહ્યું છે. આ વાવાઝોડું 6 નવેમ્બરે દીવથી પોરબંદરનાં દરિયા કિનારે ટકરાશે. ત્યારે જામનગરનું તંત્ર પણ સાબદુ બન્યું છે. જામનગર જિલ્લા કલેકટર દ્વારા તાકીદની બેઠક બોલાવી તમામ અધિકારીઓને કંટ્રોલરૂમ ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. તો માછીમારોને દરિયા ન ખેડવા માટેની પણ સૂચના આપવામાં આવી છે.જામનગરના નવા બંદર સહિતના તમામ બંદરો પર ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. જામનગરમાં પણ બે થી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ તેમજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સતત કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાન થઈ રહ્યું છે. તો બીજી તરફ હવે સતત ” વાયુ ” વાવાઝોડું ત્યારબાદ ” ક્યાર ” વાવાઝોડું અને હવે ” મહા ” વાવાઝોડાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સતત સૂચનાઓની બેરોજગાર બનેલા સાગરખેડુઓ પણ રાજ્ય સરકાર પાસે ખેડુતોની જેમ વળતરની માંગ કરી રહ્યા છે.
અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લા સહીત સૌરાષ્ટ્ર ના અનેક પંથકોમાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં વાવઝોડું ૫ કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે ૧૦૦ થી ૧૨૦ કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. હાલ હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે.
વાવાઝોડાની અસરને કારણે રવિવારે તાપી જિલ્લાના વ્યારામાં સવા ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. જોકે, કમોસમી વરસાદને કારણે ડાંગર સહિતના પાકને નુકસાન થતાં જગતનો તાત ચિંતિત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં NDRFની 15 ટીમને એલર્ટ કરવામાં આવી છે. વડોદરામાં 12 અને ગાંધીનગરમાં 3 ટીમ એલર્ટ કરાઈ છે. રાજ્યના તમામ બંદરો પર 2 નંબરના સિગ્નલ લગાવાયા છે. સહેલાણીઓને દરિયાકાંઠેથી દૂર રહેવાની સૂચના પણ આપી દેવાઇ છે. બીજી બાજુ કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
આજે 4 નવેમ્બરનાં રોજ જામનગર, મોરબી તથા દ્વારકામાં અતિભારે વરસાદની શક્યતાઓ છે. 7 નવેમ્બરનાં રોજ અમદાવાદ, આણંદ, ડાંગ, તાપી, સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, નવસારી, દાદરા નગર હવેલી, દમણ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દિવમાં આગાહી છે. જ્યારે 8 નવેમ્બરે પણ અમદાવાદ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
તાપી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત કમોસમી વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા છે. શનિવારે સાંજે એકાએક કડાકા-ભડાકા સાથે વરસાદ તૂટી પડતાં ફરી વખત જાણે ચોમાસું બેઠું હોય તેવો લોકોને અહેસાસ થયો હતો. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા જવા પામ્યા હતા. રવિવારે સવારે ૬ કલાકે પૂર્ણ થતા ૨૪ કલાક દરમિયાન વ્યારામાં ૩૩ મિ.મી, વાલોડમાં ૭ મિ.મી, સોનગઢમાં ૮ મિ.મી, નિઝરમાં ૧૧ મિ.મી, ઉચ્છલમાં ૮ મિ.મી, કુકરમુંડામાં ૯ મિ.મી, ડોલવણમાં ૧૭ મિ.મી. વરસાદ નોંધાયો હતો.
બીજી તરફ સુરત, વલસાડ અને નવસારી સહિતના જિલ્લામાં ક્યાંય પણ વરસાદ નોંધાયો નથી. દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, પરંતુ ક્યાંય વરસાદ નોંધાયો નથી. જોકે, વરસાદની ગેરહાજરી વચ્ચે સુરત શહેરના તાપમાનમાં બે ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો. સુરતનું મહત્તમ તાપમાન ૩૩.૦ ડિગ્રી સેલ્સિયસ અને લઘુતમ તાપમાન ૨૫.૧ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે પ્રતિકલાક ૫ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો.
ગુજરાત સરકારનાં મહેસૂલ ખાતાનાં રાહત કમિશનર દ્વારા તમામ જિલ્લા કલેકટરને લેખિતમાં આદેશ કરાયો છે. જેમાં ઊભી થનારી કુદરતી આપત્તિની સ્થિતિમાં રાહત અને બચાવની કામગીરી કરવા માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે. જે વિસ્તારોમાં મહત્તમ અસર થવાની છે ત્યાં NDRFની ટીમને મોકલવાની તૈયારી કરી દેવામાં આવી છે. આમ, અરબી સમુદ્રમાં થયેલું ‘મહા’ વાવાઝોડું ‘મહા’ વિનાશ વેરે એવી દહેશત સેવાઇ રહી છે.
હવામાન વિભાગ પ્રમાણે હાલમાં સૌરાષ્ટ્રના વેરાવળના દરિયાકાંઠાથી આ વાવાઝોડું 570 કિલોમીટર જ્યારે દીવ થી 150 કિલોમીટર દૂર છે. વાવાઝોડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. જેની અસર શરૂ થઈ ગઈ છે જેના ભાગરૂપે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં ચારથી પાંચ મીટર ઉંચા મોજા ઉછળી રહ્યા છે. અનેક જિલ્લાઓમાં હવામાન વાદળછાયું બન્યું છે અને હળવો વરસાદ પણ વરસી રહ્યો છે.