અમદાવાદ– ગુજરાતમાં ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ પોલીસ ભરતી પેપર લીક કૌભાંડ મામલામાં ગુજરાત એટીએસે મુખ્ય સૂત્રધાર વિનોદ ચીખારાની ધરપકડ કરી છે. જાણવા મળ્યાં મુજબ ગુજરાત એટીએસે વિનોદ ચીખારાની ધરપકડ ગુડગાંવથી કરી છે. વિનોદ ચીખારાએ રૂપિયા એક કરોડમાં પેપરનો સોદો કર્યો હતો.
પોલીસ ભરતી પેપર લીક થયાના સમાચાર મળતાં જ પોલીસ ભરતી બોર્ડે પરીક્ષા રદ કરી નાંખી હતી. પોલીસ ભરતીની પરીક્ષા 9 લાખ કરતાં વધુ લોકો આપી રહ્યા હતા. પેપર લીક થયા પછી પરીક્ષા રદ થતાં વિદ્યાર્થીઓ ખૂબ પરેશાન થયા હતા. આ મામલામાં રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા હતા, અને તપાસમાં પાંચ આરોપીના નામ ખુલ્યા હતા. હવે એલઆરડી પેપર લીક કાંડના મુખ્ય સૂત્રધાર વિનોદ ચીખારાની ધરપકડ થઈ છે, જેથી કંઈક નવા રહસ્યો અને નવા નામો બહાર આવશે.