અમદાવાદઃ ગુજરાતમાં રહેતાં આશરે 600 હિંદુ શરણાર્થી ભારતીય નાગરિકતા મળ્યાં બાદ પ્રથમવાર વોટ આપશે. પાકિસ્તાનથી આવેલા આ શરણાર્થીઓને 2015 બાદથી જ નાગરિકતા પ્રદાન કરવામાં આવી છે. આ શરણાર્થીઓનો મોદી સરકાર પ્રત્યે ક્રેઝ દેખાઈ રહ્યો છે અને ખુલીને સમર્થન કરતા નજરે ચડી રહ્યાં છે. આપને જણાવી દઈએ કે 2016માં કેન્દ્ર સરકારે પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના અલ્પસંખ્યક સમુદાયો-હિંદુઓ અને શીખોને નાગરિકતા જાહેર કરીને પ્રક્રિયાનું વિકેન્દ્રીકરણ કર્યું હતું.
2007 સુધી પાકિસ્તાનના કરાંચીમાં રહેનારા રાજકોટના નિવાસી ધાનજી બાગરાએ કહ્યું છે કે તેઓ લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું સમર્થન કરી રહ્યાં છે. તેમણે અમારા માટે ઘણું કર્યું છે. તેમણે અમને અહીં નાગરિકતા અપાવી છે અને રોજગાર આપ્યો છે. અમે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું સમર્થન નહી કરીએ કારણકે તેમણે અમારા માટે કશું જ નથી કર્યું. પરંતુ જ્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી તો અમારે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતી એવી આવી ગઈ હતી કે અમે અહીંયાથી અન્ય ક્યાંક જવાનો વિચાર કરતા હતા.
વ્યવસાયે મોચી બાગરા પોતાની પત્ની અને બાળકો સાથે 2007થી રાજકોટમાં રહી રહ્યા છે પરંતુ આ વર્ષના માર્ચ મહિનામાં જ વોટર આઈડી કાર્ડ આપવામાં આવ્યા છે. રાજ્યમાં હવે 23 એપ્રિલના રોજ મતદાન થશે. બાગરાએ જણાવ્યું કે હું કરાચીમાં પોતાના પરિવારનું ભરણપોષણ સરળતાથી કરી શકતા હતા, પરંતુ ત્યાં અમને ખતરો હતો. એકવાર જ્યારે અમારા ઘરે લૂંટારુઓએ લૂંટ્યું તો મારી માતાએ મને કહ્યું કે ભારત જતાં રહો. મારી માતાનો જન્મ પણ ગુજરાતના કચ્છમાં જ થયો હતો.
બાગરા હવે રાજકોટના ભગવતીપરા પાસે ઓવરબ્રીજ પર મોચીનો વ્યવસાય કરે છે અને પરિવારનું ભરણપોષણ કરે છે. તેમણે આગળ જણાવ્યું કે જ્યારે અમે ભારત આવ્યા ત્યારે અમને લોંગ ટર્મ વીઝા આપવામાં આવ્યા હતા. અમને રોજગારની શોધ હતી પરંતુ જ્યારે અમે કોઈને જણાવતા હતા કે અમે પાકિસ્તાનથી આવ્યા છીએ, ત્યારે અમને નોકરી પર કોઈ રાખતું નહોતું. અમારા પાસે ભારતની એકમાત્ર ઓળખ હતી કે અમે મહેશ્વરી સમુદાયથી છીએ.
એક અન્ય હિંદુ શરણાર્થીએ મોદી સરકારનું ખુલીને સમર્થન કર્યું. 52 વર્ષીય નંદલાલ મેઘનાનીએ કહ્યું કે વોટ માત્ર ભાજપને જ આપીશું. સિંધ પ્રાંતના ઈસ્લામકોટથી ગુજરાત આવેલા નંદલાલે કહ્યું કે માત્ર વડાપ્રધાન મોદીએ જ અમારો અવાજ સાંભળ્યો. નહીતર અમને નાગરિકતા પ્રાપ્ત થતા આશકે 15-20 વર્ષ લાગી જાત.
અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતા કૃષ્ણ મહેશ્વરી અને તેમના પત્ની મિરાનને ગત વર્ષે ડિસેમ્બરમાં નાગરિકતા આપવામાં આવી. આ દંપતીએ કહ્યું કે તે પોતાના સમુદાયના નેતાઓથી પુછીને જ પોતાનો વોટ આપશે. જો કે અમને હજી સુધી ઈલેક્શન કાર્ડ મળ્યા નથી પરંતુ અમારો ઈરાદો સ્પષ્ટ છે.
મણીનગરના 21 વર્ષીય પૃથ્વી મહેશ્વરીએ કહ્યું કે હજી સુધી તેમને વોટર કાર્ડ મળ્યુ નથી. મેં ફેબ્રુઆરીમાં આ મામલે અપ્લાય કર્યું હતું પરંતુ મને હજી સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. અત્યારે પણ એવા ઘણા લોકો છે જે પોતાના વોટર કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે.