ગુજરાતમાં આજે હળવા વરસાદની આગાહી, અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ

હવામાન વિભાગે 2 જૂન, 2025ના રોજ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે, જે અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે થશે. આ સાથે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે, જે શહેરમાં ગરમીથી થોડી રાહત આપી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની શક્યતા છે. ઉત્તરપૂર્વ ભારતના રાજ્યો જેવા કે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી સાત દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. દક્ષિણ ભારતમાં કેરળ, કર્ણાટકમાં 31 મે થી 2 જૂન દરમિયાન ગાજવીજ સાથે વરસાદની આગાહી છે, જ્યારે તમિલનાડુ, પુડુચેરી, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં 31 મે ના વરસાદની શક્યતા હતી.

દેશના અન્ય ભાગોમાં પણ હવામાનમાં ફેરફાર જોવા મળશે. ઉત્તરપશ્ચિમ ભારતમાં જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં વાવાઝોડા સાથે હળવો વરસાદ થઈ શકે છે. 31 મે થી 3 જૂન દરમિયાન ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં છૂટાછવાયા વરસાદ અને ધૂળના તોફાનો આવવાની શક્યતા છે. પશ્ચિમ ભારતમાં ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જ્યારે પૂર્વ અને મધ્ય ભારતમાં છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ અને બિહારમાં 31 મે થી 1 જૂન દરમિયાન વાવાઝોડા સાથે ભારે વરસાદ અને 2-3 જૂન દરમિયાન 50-70 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.