આખા વિશ્વમાં 1 ડિસેમ્બરના `વર્લ્ડ એઇડ્સ ડે` (World AIDS Day) તરીકે ઉજવવામાં આવે છે. લોકોને એચ.આઈ.વી./ એઈડ્સ વિશે સાચી અને સંપૂર્ણ જાણકારી અને માહિતી મળે, તેના વિશેની ગેર-માન્યતાઓ દૂર થાય, જેથી એચ.આઈ.વી.ગ્રસ્ત વ્યક્તિઓ પ્રત્યે ધૃણા તથા ભેદભાવ દૂર થાય અને તેઓના હક તથા સન્માનની જાળવણી થાય તે હેતુથી 1લી ડિસેમ્બરના રોજ સમગ્ર વિશ્વમાં “વિશ્વ એઈડ્સ દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.
સન. 1988ની 1લી ડિસેમ્બરના રોજ પ્રથમ વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે 1લી ડિસેમ્બર, 2023ના રોજ 36મા વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. દર વર્ષે અલગ અલગ થીમને આધારે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષની વિશ્વ એઈડ્સ દિવસની થીમ છે Let Communities Lead એટલેકે “દરેક સમુદાય એચ.આઈ.વી./ એઈડ્સની નાબૂદી માટે નેતૃત્વ લે”.
ભારત સરકારના નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન(NACO)ના નેજા હેઠળ સમ્રગ ભારતમાં નેશનલ એઇડ્સ કટ્રોલ પ્રોગ્રામની અમલવારી થઇ રહી છે. ગુજરાતમાં રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સ્થાપિત ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા આ કાર્યક્રમનું અમલીકરણ થઇ રહ્યું છે.
આ સંદર્ભે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અમદાવાદ જીલ્લાના પીએચઓ(PHO) અધિકારી ડૉ. કાર્તિક શાહ કહે છે કે, Sustainable Development Goals (SDGs) અંતર્ગત વર્ષ ૨૦૩૦ સુધીમાં એચ.આઇ.વી./એઇડસને નાબૂદ કરવાનો છે. રાષ્ટ્રીય એડ્સ નિયંત્રણ સંસ્થા, નવી દિલ્હીના સર્વે અનુસાર ગુજરાતમાં પ્રત્યેક એકલાખ વસ્તીમાં એચ.આઇ.વી લોકોની સંખ્યા વર્ષ2017ની સરખામણીમાં 7 થી ઘટીને વર્ષ 2021માં 4 થઈ ગઈ છે. વર્ષ ૨૦૧૦ની સરખામણીમાંથી એઇડ્સ સંબંધિત મૃત્યુમાં વર્ષ 2021માં રાજયમાં ૬૦%નો ઘટાડો જોવા મળ્યો છે.
વધુમાં ડો. શાહ કહે છે, NACO દ્વારા 2019 માં પ્રસિદ્ધ કરાયેલ જિલ્લા અંદાજ મુજબ, ગુજરાતના 33 જિલ્લાઓને એચ.આઈ.વી.ના દર મુજબ 4 શ્રેણીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે, ઉચ્ચ દર, મધ્યમ દર, ઓછો દર, ખૂબ ઓછો દર. જે મુજબ ચાર જિલ્લા (અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ) ઉચ્ચ દરની શ્રેણીમાં, 9 જિલ્લા (આણંદ, બનાસકાંઠા, ભાવનગર, કચ્છ, ખેડા, મહેસાણા, સાબરકાંઠા, સુરેંદ્રનગર અને વલસાડ) મધ્યમ દરની શ્રેણીમાં, 11 જિલ્લા (અમરેલી, ભરુચ, દાહોદ, ગાંધીનગર, જામનગર, જુનાગઢ, નવસારી, પંચમહાલ, પાટણ, અરવલ્લી અને મોરબી) ઓછા દરની શ્રેણીમાં તથા 9 જિલ્લા (નર્મદા, પોરબંદર, તાપી, ડાંગ, છોટાઉદેપુર, બોટાદ, દેવભૂમી દ્વારકા, ગીર-સોમનાથ અને મહીસાગર ) ખૂબ ઓછા દરની શ્રેણીમાં આવે છે.
એચ.આઈ.વી./ એઈડ્સએ ડાયાબિટીશ તથા હાઈપર ટેન્શનની જેમ ક્રોનિલ મેનેજેબલ ડિસિઝ (લાંબી વ્યવસ્થાશીલ બિમારી) છે. આધુનિક સારવાર-એન્ટી રિટ્રો વાયરલ (એ. આર. વી.) ટ્રીટમેન્ટ નિયમિત લેવાથી એચ.આઇ.વી. સાથે પણ દરેક વ્યક્તિ એના કુદરતી આયુષ્ય મુજબનું જીવન જીવી શકે છે.
ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી દ્વારા રાજયમાં એચ.આઈ.વી. એઈડ્સના અટકાવ અને નિયંત્રણ માટે વિવિધ કાર્યક્ર્મો અમલીકરણમાં છે. જેમાં લક્ષીત દરમ્યાનગીરી કાર્યક્રમ અંતર્ગત અતિ જોખમી વર્તણુક ધરાવતા લોકોમાં કોર જુથ (ધંધાદારી દેહવિક્રય કરતી મહિલાઓ – FSW, સજાતીય સંબંધ ધરાવતા પુરુષો – MSM અને સિરીંજથી નશો કરનારા – IDU) તેમજ બ્રિજ જુથો (સ્થળાંતર કરનારા – માઇગ્રન્ટસ અને ટ્રકર્સ) માટે રાજ્યમાં ૯૫ લક્ષીત દરમ્યાનગીરી પ્રોજેક્ટ અમલીકરણ હેઠળ છે, જેમાં જોખમી જાતિય વર્તણૂક ધરાવતી વ્યક્તિઓના જોખમી વર્તણૂકની તરાહમાં ફેરફાર કરી તેઓને જરૂરી સેવાઓ (કાઉંસેલીંગ, કોન્ડોમ વિતરણ, વર્તન પરિવર્તનનું સાહિત્ય વગેરે) ઉપલબ્ધ કરાવવામાં આવે છે. વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) માં કુલ ૩૧૨૨૩૮ની લક્ષીત જુથની વસતીને આવરી લેવાયેલ છે.
જાતીય રોગ પ્રસાર નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હાલમાં રાજ્યમાં કુલ ૧૫૫ STD ક્લિનિક્સ (૬૦ સરકારી STD ક્લિનિક્સ અને ૯૫ બિનસરકારી સંસ્થાઓ) કેન્દ્રો કાર્યરત છે. વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) માં કુલ ૬૩૬૭૨ દર્દીઓ સરકારી STD ક્લિનિક્સ ખાતે નોંધાયેલા હતા જે પૈકી ૩૪૫૬૬ STD એપિસોડના દર્દીઓને સારવાર આપેલ છે.
મૂળભૂત સેવા વિભાગ અંતર્ગત હાલમાં રાજ્યમાં કુલ ૨૭૨૦ આઇ.સી.ટી.સી/એફ.આઇ.સી.ટી.સી કેન્દ્રો કાર્યરત છે. વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) માં આઇ.સી.ટી.સી. જનરલ સુવિધા હેઠળ કુલ ૮૧૨૧૯૬ વ્યક્તિઓનું HIV પરીક્ષણ કરવામાં આવ્યુ હતું, જે પૈકી ૩૯૩૭ વ્યક્તિઓ (૦.૪૮%) HIV પોઝીટીવ જણાયેલ હતા. માતાપિતાથી બાળકમાં સંક્રમિત થતા એચ.આઇ.વી. ચેપની અટકાયત માટે વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) માં કુલ ૮૨૭૧૬૨ સગર્ભા મહિલાઓનું HIV પરીક્ષણ કરવામાં આવેલ હતું જે પૈકી ૨૮૩ (૦.૦૪%) મહિલાઓ એચ.આઇ.વી.પોઝીટીવ જણાયેલ હતી.
કાળજી, સંભાળ અને સારવાર કાર્યક્રમ અંતર્ગત હાલમાં રાજ્યમાં ૪૭ એન્ટી રીટ્રોવાઇરલ ટ્રીટમેન્ટ (ART) કેન્દ્રો કાર્યરત છે. વર્ષ ૨૦૨૩-૨૪ (સપ્ટેમ્બર’૨૩ અંતિત) સુધીમાં કુલ ૧૫૬૦૬૨ દર્દીઓ એ.આર.ટી. સેન્ટર ખાતે નોંધાયેલ છે, જે પૈકી ૧૩૩૫૫૯ દર્દીઓએ એ.આર.ટી.ની સારવાર શરુ કરી હતી તેમજ ૮૨૧૬૦ દર્દીઓ એ.આર.ટી. સેન્ટર ખાતે હાલમાં સારવાર લઇ રહ્યાં છે.
જયારે આ સંદર્ભે એઈડ્સ હેલ્થકેર ફાઉન્ડેશન ઈન્ડિયા કેર્સના એમ્બેસેડર રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્ર સિંહ ગોહિલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, આ વર્ષે પ્રથમ વખત અમેરિકન સંસ્થા, એઇડ્સ હેલ્થકેર ફાઉન્ડેશન, જેનો હું બ્રાન્ડ એમ્બેસેડર છું, ગુજરાત સરકારને 1લી ડિસેમ્બરે અમદાવાદ ખાતે વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી માટે સહયોગ આપશી. એઈડ્સ રોગચાળાને 36 વર્ષ થયા બાદ પણ એ સંર્પુણરીતે નાશ થયો નથી. વિશ્વ એઈડ્સ દિવસ 1લી ડિસેમ્બર 2023ના અવસરે, આપણે બધાએ સાથે આવવું જોઈએ, આ મુદ્દાને અવગણવો જોઈએ નહીં. સમગ્ર વિશ્વમાં એઈડ્સ ફેલાવા પર નિયંત્રણ લાવવાના ઉદ્દેશ સાથે રોજ આ મુદ્દે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ.
(હેતલ રાવ)