ગરમીના વધતા પારા સાથે લીંબુના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

ગુજરાતમાં ગરમી સતત વધતી જાય છે, અને સાથે જ શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લીંબુ, જે ઉનાળામાં સૌથી વધુ વપરાય છે, તેનાં ભાવ અચાનક આસમાને પહોંચ્યાં છે. લીંબુના વધતા ભાવને લઈને ગૃહિણીઓમાં ચિંતા જોવા મળી રહી છે, કારણ કે આની સીધી અસર ગૃહસ્તી બજેટ અને આરોગ્ય પર અસર કરી શકે છે.

ગત સપ્તાહમાં જ્યાં લીંબુ 100 રૂપિયાના દરે વેચાઈ રહ્યા હતા, તે જ આજે જથ્થાબંધ બજારમાં 160 રૂપિયા અને છૂટક બજારમાં 200 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે. ઉનાળાની શરુઆત સાથે જ લીંબુના ભાવમાં આ તોફાની તેજી વર્ષે જોવા મળે છે, જેનાથી સામાન્ય પરિવાર માટે લીંબુ ખરીદવું પણ મુશ્કેલ બન્યું છે. વેપારીઓના મતે, ગરમીના કારણે લીંબુની માગ વધી રહી છે અને પૂરવઠો ઘટી જતાં તેની કિંમત પર સીધી અસર થઈ છે. જો આવું જ ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં લીંબુના ભાવ 200 રૂપિયાથી પણ વધી શકે છે. લીંબુના ભાવ વધવાથી લોકોની તંદુરસ્તી પર પણ અસર થઈ શકે છે. ઉનાળામાં તબીબો લીંબુ પાણી અને વિટામિન C માટે તેનો ઉપયોગ કરવાની સલાહ આપે છે. જો ભાવ આ રીતે વધતા રહેશે, તો ગૃહિણીઓ અન્ય વિકલ્પો શોધવા માટે મજબૂર બનશે.