ગુજરાતમાં ઉનાળાની શરૂઆત સાથે લીંબુના ભાવ આસમાને

ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. ઉનાળામાં લીંબુની માગ વધે છે, પરંતુ આ વખતે પુરવઠાની અછતને કારણે રિટેલ બજારમાં લીંબુનો ભાવ રૂ. 100થી વધીને રૂ. 150-200 પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. જેની સીધી અસર ગૃહિણીઓના ઘરખર્ચ પર પડી રહી છે, કારણ કે શાકભાજીથી લઈને શરબત અને શેરડીના રસમાં લીંબુનો ઉપયોગ વધે છે. લીંબુ શિકંજી અને શરબત જેવાં પીણા હવે લોકોના ખિસ્સા પર ભારે પડી રહ્યાં છે, કારણ કે ભાવમાં લગભગ 90 ટકાનો વધારો નોંધાયો છે.

તબીબો ઉનાળામાં ગરમીથી બચવા અને શરીરને ઠંડક આપવા લીંબુ પાણી પીવાની સલાહ આપે છે, પરંતુ માર્ચ 2025ની શરૂઆતથી જ રિટેલ બજારમાં લીંબુના ભાવ રૂ. 180-200 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. રમજાન મહિનામાં પણ લીંબુનું સેવન વધતું હોવા છતાં, અમદાવાદના APMC માર્કેટના હોલસેલ વેપારી ધવલભાઈ પ્રજાપતિના જણાવ્યા મુજબ, આ વર્ષે હોલસેલ બજારમાં લીંબુના ભાવમાં મંદી છે. ગત વર્ષોમાં માર્ચમાં હોલસેલ ભાવ રૂ. 140-150 હતો, પરંતુ આ વખતે સ્ટોરેજ વધવાને કારણે ભાવ રૂ. 80-110ની આસપાસ રહ્યો છે. જોકે, ટ્રાન્સપોર્ટેશનમાં બે-ત્રણ દિવસ લાગવા અને 20 કિલોમાંથી 3-4 કિલો લીંબુ બગડી જવાને કારણે રિટેલમાં ભાવ વધી રહ્યા છે.

અમદાવાદ APMC માર્કેટમાં શિયાળા અને ચોમાસામાં દરરોજ 40-50 ટન લીંબુની આવક થાય છે, જ્યારે ઉનાળામાં માગ 120-140 ટન સુધી પહોંચે છે. આ વર્ષે સ્ટોરેજ વધુ હોવાથી હોલસેલ ભાવ નીચા છે, અને આગામી 7-8 દિવસમાં ભાવ વધવાની શક્યતા ઓછી લાગે છે. વડોદરામાં પણ લીંબુ રૂ. 160-200 પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે, જે ગૃહિણીઓનું બજેટ ખોરવી રહ્યું છે. રાજકોટમાં એક મહિનામાં ભાવ 90 ટકા વધ્યા છે, જ્યાં હોલસેલમાં 20 કિલોનો ભાવ રૂ. 1200-2700 સુધી પહોંચ્યો છે, જે ગત મહિને રૂ. 200-800 હતો.