અમદાવાદઃ ગુજરાત પરથી અત્યારે મહા વાવાઝોડાનું સંકટ અત્યારે લગભગ ટળી ગયું છે. આ વાવાઝોડું ગુજરાતમાં ટકરાવાનું હતું. પરંતુ અત્યારે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે એવું કહી શકાય કે આ વાવાઝોડુ ગુજરાતને નુકસાન નહી કરે, પરંતુ વાવાઝોડાની અસરથી વરસાદ તો આવશે જ. મહા વાવાઝોડું આજ ગતિએ આગળ વધશે તો ગુજરાત ખાસ કરીને દીવ પાસે ટચ કરવાની જગ્યાએ મહારાષ્ટ્ર તરફ જાય તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. ત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે રહેતા લોકોને રાહતના સમાચાર મળ્યાં છે.
હવામાન વિભાગના ડિરેક્ટર જયંત સરકારે જણાવ્યું કે, આ મહા વાવાઝોડું આજે સાંજ સુધી સાયક્લોન બનશે,. આવતીકાલે 7 નવેમ્બરે સવારે ડીપ ડિપ્રેશન બની જશે. પરંતુ તે સાંજ સુધીમાં નબળુ પડી જશે. તેની તીવ્રતા ઘટી જશે. સૌરાષ્ટ્રમાં જે અસર થવાની હતી તે હવે નહિ થાય. સૌરાષ્ટ્રમાં મહા વાવાઝોડું નહિ ટકરાય. પરંતુ મહાને પગલે આજે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદ રહેશે. તો આવતીકાલે સુરત, ભરૂચ, આણંદ, બોટાદ, પોરબંદર, રાજકોટમાં વરસાદની આગાહી કરાઈ છે. હાલ મહા વાવાઝોડું પોરબંદરના દરિયા કિનારાથી 450 કિલોમીટર દૂર, વેરાવળના દરિયા કિનારાથી 490 કિલોમીટર દૂર અને દીવના દરિયા કિનારાથી 540 કિલોમીટર દૂર છે.