સ્વામીનારાયણ મંદિરના સાધુ પરિણીતાને લઈને ફરાર, પત્રકમાંથી નામ રદ

અમદાવાદઃ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના માધવપ્રિયદાસ સ્વામી એક પરિણીતાને લઈને ફરાર થઈ જતાં ચકચાર વ્યાપી છે. આ સ્વામી ડાંગરવા ગામની પરિણીતાને લઈને ચારેક દિવસ પહેલાં ફરાર થઈ ગયાં છે. ત્યારે સમગ્ર ઘટનાક્રમ બાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિર ફરી એકવાર વિવાદોમાં આવી ગયું છે.

સ્વામી માધવપ્રિયદાસ ગત તારીખ 1 માર્ચના રોજ ડાંગરવા ગામની પરિણીતાને લઇને ફરાર થઇ ગયાં છે. આ પહેલાં સ્વામી માધવપ્રિયદાસના ગુરૂ સિદ્ધસ્વર ઉપર સિદ્ધપુર ગુરુકુળમાં બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપો થતાં હોબાળો મચ્યો હતો. સ્થાનિકોએ સિદ્ધસ્વરને ઢોર માર મારી પોલીસને હવાલે કર્યા હતાં.તો ગુરુના રસ્તે સ્વામી માધવપ્રિયદાસ પણ ચાલ્યાં છે અને તેઓ પરિણીતાને લઇને ફરાર થઇ ગયાં છે.

પરિણીતા સાથે આંખ મળી જતાં સ્વામી પોતાનો ભગવો પણ ભૂલી ગયાં હતાં. સાધુત્વ લાજે તે પ્રકારના આ કૃત્યથી અત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિરની સ્વચ્છ છબી પણ ખરડાઈ છે. ત્યારે આ ઘટનાને લઈને ચારેબાજુ રોષ વ્યાપેલો છે. અને આ સમગ્ર મામલે હવે જ્યારે સામે આવ્યો છે ત્યારે કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયે સાધુ માધવપ્રિયદાસનું નામ પણ ત્યાગીપત્રકમાંથી રદ કરી દીધું છે.