જામનગર LCB વધુ એક મોટી સફળતા મળી છે. ગુજરાત, રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ સહિત રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં ATMમાં છેડછાડ કરીને 50થી વધુ ચોરીને અંજામ આપનાર ગેંગને જામનગર LCB દ્વારા પકડવામાં આવી છે. શહેરના સેકશન રોડ અને ખોડીયાર કોલોની વિસ્તારમાં આવેલા એટીએમમાં છેડછાડ કરીને ખાતામાંથી રોકડ રકમને તફડાવી લેવાની ફરિયાદો દાખલ થઈ હતી. જે બાદ LCBની ટુકડીએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરીને આંતરરાજ્ય ગેંગને પકડી પાડી છે. આ શખ્સો સામે ગેંગ કેસ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા થોડા સમયથી ATM મશીનમાં છેડછાડ કરીને રૂપિયા કાઢી લેતા હોવાના બનાવો સામે આવી રહ્યા હતા. પોલીસ દ્વારા આ દિશામાં સધન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન એલસીબીને બાતમી મળેલી કે એટીએમના કેસ ડીસ્પેન્શરમાં છેડછાડ કરીને રૂપિયા ચોરી કરી ગેંગના ત્રણ ઈસમો સંગઠીત ટોળકી શહેરના ગોલ્ડન ક્રાઉન હોટલ પાસેના રોડ પર આવેલા એટીએમમાંથી પૈસા કાઢવાની તૈયારી કરવા આંટાફેરા કરે છે. બાતમીના આધારે રાજસ્થાન બીકાનેરના ડુંગરગઢ તાલુકાના કલ્યાણસર ગામના પુનમખાન ડયાલખાન માલીયા, કલ્યાણસરના રામપ્રકાશ રામકરણ ગોદારા, રાજસ્થાનના બાડસર ગામના ગૌરીશંકર ગીરધરલાલ સુથારને પકડી લીધા હતા. તપાસમાં ધાનેરુ ગામના હરમનરામ નથુરામ ભાકરની સંડોવણી ખુલી હતી, જેની તપાસ જામનગર એલસીબી દ્વારા ચાલુ છે. પોલીસ તપાસમાં એલસીબીએ 47,500ની રોકડ, સેલ્ટોસ કાર, ડીસમીસ, સેલોટેપ, કટર, ફેવિક્વિક, પીવીસી પટ્ટીઓ, એટીએમ કાર્ડ, 3 મોબાઇલ સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ ટોળકી ભેગા મળી કોઈ એટીએમને ટાર્ગેટ કરે પછી એટીએમના કેસ ડીસ્પેન્સર પર તેના માપની અને તેને મળતા કલરની પ્લાસ્ટીકની પટ્ટી ફેવિકિ્વક વડે ચોંટાડી દેતા અને કોઈ એટીએમ ધારક ATMમાં રૂપિયા ઉપાડવા કાર્ડ નાખતા અને રૂપિયા કેશ ડીસ્પેન્શરમાંથી બહાર ન નીકળતા, કંટાળીને ATM ધારક એટીએમમાંથી બહાર નીકળી જાય પછી આરોપીઓ એટીએમમાં જઈને પોતે લગાવેલી પ્લાસ્ટીકની પટ્ટી ઉખેડી કેશ ડીસ્પેન્શરમાંથી રૂપિયા લઈને ચોરી કરી જતા હતા. આ ગેંગના ત્રણેય આરોપીઓ પ્લેન મારફતે અન્ય રાજ્યમાં ATMમાં ચોરી કરવા જતા હતા. આપને જણાવી દઈએ કે આરોપીઓ દ્વારા અલગ અલગ જિલ્લાના 50થી વધુ એટીએમ મશીનમાં છેડછાડ કરીને આશરે સાડા ચાર લાખથી વધુની રકમ ચોરી કર્યાનું તપાસમાં ખુલ્યુ છે.