બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને ‘હાથીરાજા સ્કૂલ ચલે’ માટે મળશે રાષ્ટ્રીય પુરસ્કાર

જામનગર: જામનગરની મ્યુનિસિપલ હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જાણીતા બાળસાહિત્યકાર કિરીટ ગોસ્વામીને વધુ એક રાષ્ટ્રીય સન્માન મળવા જઈ રહ્યું છે. મધ્યપ્રદેશના ભોપાલ સ્થિત ‘આરિણી બાળસાહિત્ય સંસ્થાન’ દ્વારા તેમના હિન્દી બાળગીત સંગ્રહ ‘હાથીરાજા સ્કૂલ ચલે’ને વર્ષ 2026ના ‘શ્રી મુન્નીલાલ મિશ્રા બાળસાહિત્ય સાધના પુરસ્કાર’ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ સન્માનથી જામનગર સહિત ગુજરાતના સાહિત્યજગતનું ગૌરવ વધ્યું છે.

કિરીટ ગોસ્વામીના આ જ પુસ્તકને અગાઉ પણ વિવિધ સ્તરે પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થઈ ચૂક્યાં છે. ‘હિન્દી સાહિત્ય અકાદમી’નું પારિતોષિક તેમજ ઉત્તરાખંડ સાહિત્ય સંસ્થાન તરફથી ‘બાલ પ્રહરી’ રાષ્ટ્રીય સન્માન મેળવી ચૂકેલા આ પુસ્તકને વધુ એક પુરસ્કાર મળતાં તેની વિશિષ્ટ સિદ્ધિમાં વધારો થયો છે. એક જ પુસ્તકને રાષ્ટ્રીય, આંતરરાજ્ય અને રાજ્યકક્ષાએ વિવિધ સન્માનો મળવા એ બાળસાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ ગણાય છે.

કિરીટ ગોસ્વામીએ પરંપરાગત ઉપદેશાત્મક બાળસાહિત્યથી આગળ વધીને આધુનિક સમયના બાળકોની માનસિકતા, ટેક્નોલોજી, ઇન્ટરનેટ અને ગૅજેટ્સ જેવા વિષયોને પોતાની રચનાઓમાં હકારાત્મક તથા મનોરંજક રીતે વણી લીધા છે. તેમની રચનાઓમાં આજના ડિજિટલ યુગના બાળકોની જિજ્ઞાસા અને જીવનશૈલીનું પ્રતિબિંબ જોવા મળે છે. તેમણે ‘ઉન્મેષ’ જેવા મોટા સાહિત્ય ઉત્સવથી લઈને અંતરિયાળ ગામડાંઓ સુધી વિવિધ કાર્યક્રમો દ્વારા બાળકોમાં વાંચન અને સાહિત્ય પ્રત્યે રુચિ કેળવવાનો પ્રયાસ કર્યો છે.

ગુજરાતીમાં 35થી વધુ અને હિન્દીમાં ચાર પુસ્તકોનું સર્જન કરી ચૂકેલા ગોસ્વામીને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદ સહિત વિવિધ સંસ્થાઓ તરફથી 21થી વધુ પુરસ્કાર અને સન્માનો પ્રાપ્ત થયાં છે. બાળકોમાં ‘ટોપીવાળી મા’ તરીકે લોકપ્રિય બનેલા તેમના બાળસાહિત્ય પર વિવિધ યુનિવર્સિટીઓમાં સંશોધનકાર્ય પણ થયું છે. ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત વિવિધ રાજ્યોનાં શાળા-કોલેજનાં પાઠ્યપુસ્તકોમાં પણ તેમની કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બાળસાહિત્યના સર્જન સાથે સતત જોડાયેલા રહીને બાળકોમાં વાંચનનો રસ વિકસાવવા પ્રયત્નશીલ કિરીટ ગોસ્વામીની આ નવી સિદ્ધિને શિક્ષણ અને સાહિત્યજગતના લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. તેમના આ સન્માનથી જામનગરનું નામ રાષ્ટ્રીય સાહિત્યક્ષેત્રે વધુ એક વખત ઉજાગર થયું છે.