અમદાવાદઃ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરતાં ભારતીય જનતા પાર્ટીમાં આક્રોશ ફેલાયો છે. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ એના આકરા પ્રત્યાઘાત આપ્યા છે. એમણે કહ્યું છે કે ખડગેની આ કમેન્ટથી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામમાં કોંગ્રેસને ફટકો પડશે અને ભાજપને ફાયદો થશે.
રૂપાણીએ કહ્યું કે, રાવણ સાથે વડા પ્રધાન મોદીની સરખામણી ગુજરાતીઓનાં અપમાન સમાન છે અને ગુજરાતની જનતા આને સાંખી નહીં લે. આ કમેન્ટ ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસને પરાજિત કરશે.
182-બેઠકોવાળી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આવતીકાલે પહેલા તબક્કામાં 89 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં સૌરાષ્ટ્રની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર મતદાન થવાનું છે. ત્યારબાદ બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરે થશે, જેમાં 93 બેઠકો પર લોકો એમનો મતાધિકાર હાંસલ કરશે. 8 ડિસેમ્બરે મતગણતરી કરાશે અને પરિણામ જાહેર કરાશે.