અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 19 જુલાઈ, 2023ની રાત્રે થયેલા ભયંકર અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે આ કેસમાંથી રાહત મેળવવા માટે ગુજરાત હાઈકોર્ટના શરણે પહોંચ્યા છે. આ અકસ્માતમાં તથ્ય પટેલે પોતાની જગુઆર કાર ફૂલ સ્પીડે હંકારીને 9 નિર્દોષ લોકોના જીવ લીધા હતા, જ્યારે 13 અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ઘટના બાદ પોલીસે આરોપીઓ વિરુદ્ધ પુરાવા એકત્ર કર્યા હતા અને બંને હાલ જેલમાં છે. જોકે, હવે તેઓએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કેસમાંથી મુક્તિની માગણી કરી છે.
ઈસ્કોન બ્રિજ પર થયેલા આ ગોઝારા અકસ્માત બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં અનેક આશ્ચર્યજનક તથ્યો બહાર આવ્યા હતા. પોલીસે પિતા-પુત્ર વિરુદ્ધ મજબૂત પુરાવા એકઠા કર્યા હતા. આ અગાઉ તથ્ય પટેલને અસ્થાયી જામીન મળ્યા હતા, પરંતુ હવે તે કેસમાંથી સંપૂર્ણ મુક્તિ મેળવવા હાઈકોર્ટ પહોંચ્યો છે. આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટ આ મામલે સુનાવણી હાથ ધરશે, જેના પર સૌની નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે, તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ સામે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ શહેરોમાં ગંભીર ગુનાઓની ફરિયાદો નોંધાયેલી છે. તેમની સામે ખંડણી, દુષ્કર્મ અને ઠગાઈ જેવા કુલ 8 કેસ નોંધાયા છે. આમાં સોલા પોલીસ સ્ટેશનમાં 2, શાહપુરમાં 1, રાણીપમાં 1, ક્રાઈમ બ્રાન્ચમાં 1, મહિલા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1, ડાંગમાં 1 અને મહેસાણામાં 1 ફરિયાદનો સમાવેશ થાય છે. આવા ગંભીર આરોપો હોવા છતાં, આરોપીઓ હવે કેસમાંથી છૂટકારો મેળવવા પ્રયાસ કરી રહ્યા છે. આ અકસ્માતે સમગ્ર ગુજરાતમાં હડકંપ મચાવી દીધો હતો. 9 લોકોના મોત અને 13 લોકોની ગંભીર ઈજાને કારણે આ કેસ ખૂબ ચર્ચામાં રહ્યો છે. હવે હાઈકોર્ટમાં થનારી સુનાવણી આ મામલે મહત્વની ભૂમિકા ભજવશે. આરોપીઓને મુક્તિ મળશે કે કેસ આગળ વધશે, તે હાઈકોર્ટના નિર્ણય પર આધાર રાખે છે.
