ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેક્નોલોજી, રિસર્ચ એન્ડ મેનેજમેન્ટ (IITRAM) ખાતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ (બેચ 2017- 2021)ની BTechની ભૂતપૂર્વ વિદ્યાર્થી ઇપ્સિતા સેનગુપ્તાને જર્મનીમાં સ્ટેમમાં મહિલાઓ માટે અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ “FEMTEC” એનાયત કરવામાં આવી છે. STEM ક્ષેત્રમાં શ્રેષ્ઠતા માટે આ શિષ્યવૃત્તિ હાંસલ કરવા માટે જર્મનીની ટોચની નવ શ્રેષ્ઠ યુનિવર્સિટીઓના 50 વિદ્યાર્થીઓમાં ઇપ્સિતા એક છે.
જર્મનીની યુનિવર્સિટી ઓફ સ્ટુટગાર્ટમાં અનેક વિદ્યાર્થિઓએ શિષ્યવૃતિ માટે કતારમાં હતા. ઇપ્સિતા આ પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિ માટે પસંદ કરાયેલા પાંચ વિદ્યાર્થીઓમાંથી એક છે. મૂળ બંગાળની અને અમદાવાદમાં અભ્યાસ કરતી ઇપ્સિતા હાલ જર્મનીમાં ભારતનું નામ રોશન કરી રહી છે. આ પસંદગી પ્રક્રિયામાં કઠોર દ્વિ-સ્તરીય પદ્ધતિનો સમાવેશ થાય છે. ઇન્ટરવ્યુમાં એમેઝોન, મર્સિડીઝ, પોર્ચે વગેરે જેવી અગ્રણી ઔદ્યોગિક કંપનીઓ તેમજ વિશ્વની ટોચની યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓ દ્વારા પ્રશ્નોતરી કરવામાં આવી હતી. આ હાર્ડ ઇન્ટરવ્યુમાં ઇપ્સિતા પાસ થઇને પાંચ બેસ્ટ વિદ્યાર્થિઓમાં સામેલ થઇ હતી. ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા ઇપ્સિતા સેનગૃપ્તાએ કહ્યું કે મને ગર્વ છે કે મારી પસંદગી આ શિષ્યવૃત્તિ માટે કરવામાં આવી છે. જૂન મહિનાથી શરૂ થતી આ સ્કોલરશીપ આગામી એક વર્ષ સુધી મળશે.
નોંધનીય છે કે આ પ્રતિષ્ઠિત FEMTEC શિષ્યવૃત્તિ STEM ડોમેનમાં અસાધારણ તાલીમ કાર્યક્રમો, અનન્ય ઔદ્યોગિક મુલાકાતો અને અમૂલ્ય નેટવર્કિંગ તકો પ્રદાન કરે છે. આ શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરીને, ઇપ્સિતા અને તેની સાથેના અન્ય વિદ્યાર્થિઓને કારકિર્દીની ઉચ્ચ તક મળશે.