જન્મના પ્રમાણપત્રમાં એક જ વખત થશે સુધારો!

અમદાવાદઃ જો તમે હવે નામ, પિતાનું નામ અને અટક સહિતની નોંધાયેલી વિગતો સુધારવા માટે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રારની કચેરીએ જાઓ ત્યારે ખાતરી કરજો કે તમે આપેલી વિગતોની જોડણી ખોટી નથી. કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન  દ્વારા એક નવો નિયમ બનાવવામાં આવ્યો છે. જે મુજબ હવે જન્મ કે મૃત્યુના પ્રમાણપત્રમાં ફક્ત એક વખત સુધારો કરી શકાશે અને ત્યારબાદ તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં.

ઉલ્લેખનીય છે કે રાજય સરકારના આરોગ્ય વિભાગ તરફથી આપવામા આવેલા નિર્દેશનો મ્યુનિસિપલ કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગ દ્વારા અમલ શરુ કરવામાં આવ્યો છે.

નોંધનીય છે કે વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં જ નામમાં સુધારો કરવાની અરજીઓમાં બે ગણો વધારો થયો છે. આ વર્ષના પ્રથમ છ મહિનામાં જ સુધારા-વધારા કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 50,000થી વધુ અરજીઓ મળી છે. આવી અરજીઓની સંખ્યા સતત વધી રહી હોવાના કારણે AMCને આરોગ્ય ભવનમાં રજિસ્ટ્રાર ઓફિસમાં નવી પ્રતિબંધિત નીતિઓની નોટિસ મૂકવાની ફરજ પડી છે. આ અંગે AMCના સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે, નવી ગાઈડલાઈન્સ પ્રમાણે હવે જન્મના પ્રમાણ પત્રમાં બાળકનું નામ, માતા-પિતાની વિગતો અથવા તો અન્ય કોઈ વિગતોમાં સુધારા-વધારા ફક્ત એક જ વખત થઈ શકશે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના એડીશનલ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીના કહ્યા પ્રમાણેઃ જન્મનુ સર્ટિફિકેટ મેળવ્યા બાદ સર્ટિફિકેટ મેળવનારે નકકી કરવુ પડશે કે તેને ચોકકસ કઈ કોલમમાં સુધારો કરાવવો છે.તેને નામમાં સુધારો કરવો છે કે પછી કુમાર કે કુમારી લખાવવુ છે. ઘણા કેસમાં માતા કે પિતાના નામમા સુધારો કરવા અરજી કરવામા આવતી હોય છે. જયારે કેટલાક કીસ્સામા સરનામુ બદલવા જેવો સુધારો કરવા માટે પણ અરજી કરવામા આવતી હોય છે. આ પ્રકારના તમામ સુધારા માટે એક કોલમ અરજી કરનારે નકકી કરવી પડશે. યોગ્ય પુરાવા રજુ કરાયા બાદ તે પુરાવાની ખરાઈ કર્યા બાદ માત્ર એક જ વખત જન્મના સર્ટિફિકેટમાં સુધારો થઈ શકશે.

રજિસ્ટ્રાર ઓફિસના એક અધિકારીએ આ સમજ આપતા કહ્યું કે,  અમે અવલોકન કર્યું હતું કે એક જ અરજદાર દ્વારા સુધારો કરાવવા માટે એકથી વધુ અરજીઓ કરવામાં આવી હતી. નામ બદલવામાં હાલમાં ઓછા પ્રતિબંધો હોવાના કારણે અમારી પાસે નામની પાછળ ‘કુમારી’ કે પછી ‘કુમાર’ જેવા સન્માનજનક શબ્દો ઉમેરવા કે પછી દૂર કરવા માટે અથવા તો ગુજરાતી કે અંગ્રેજી સ્પેલિંગમાં સુધારો કરવા માટેની અરજીઓનું પૂર આવ્યું હોય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.

ઉલ્લેખનીય છે કે આ સુધારો જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ 1969નો છે, જેમાં 2007 અને 2009માં ફેરફાર કરવામાં આવ્યા હતા. 2009માં જારી કરાયેલા રાજ્ય સરકારના પરિપત્રમાં શરૂઆતમાં નામમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ 2016માં આ જોગવાઈને રદ કરવામાં આવી હતી, જેમાં જોડણીમાં સુધારાને અને સન્માનજનક શબ્દોને દૂર કરવા સુધી મર્યાદિત કરવામાં આવ્યો હતો.

AMCના અવલોકન પ્રમાણે  ફેરફારની વિનંતીઓમાં તાજેતરનો વધારો અંશતઃ બાળકોને આપવામાં આવેલા આધાર કાર્ડને કારણે છે. જ્યારે જન્મ પ્રમાણપત્રમાં સામાન્ય રીતે માત્ર બાળકનું નામ હોય છે, ત્યારે આધાર કાર્ડમાં બાળકના પિતાનું નામ અને અટક સહિતનું સંપૂર્ણ નામ જરૂરી છે, જેના કારણે બંને દસ્તાવેજોમાં નામ એકસમાન છે તેની ખાતરી કરવા માટે સુધારાની અરજીઓમાં વધારો થાય છે.