અમદાવાદઃ અત્યારે શહેરમાં અનેક શાળાઓ એવી છે કે જે મસમોટી ફી વસુલે છે. મસમોટી ફી વસુલ્યા બાદ પણ ઘણી જગ્યાએ બાળકોની સુરક્ષાના નામે શુન્ય જોવા મળે છે. ત્યારે AMC બોર્ડ દ્વારા હાઈટેક સ્કૂલ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાઈટેક શાળાઓ બનાવવા માટે અત્યારે કોર્પોરેશન દ્વારા સર્વે શરુ કરી દેવામાં આવ્યો છે.
અમદાવાદ સ્કૂલ બોર્ડ દ્વારા શહેરમાં 10 જેટલી નવી હાઈટેક શાળાઓનું નિર્માણ થશે. હાઈટેક શાળાઓમાં સ્વિમિંગપુલ પણ હશે. આ શાળાઓ લાંભા, નરોડા, વસ્ત્રાલ, બાપુનગર, સરસપુર, અસારવા, વટવા અને નિકોલમાં બનાવવામાં આવશે. તમામ શાળાઓ અંગ્રેજી અને ગુજરાતી એમ બંન્ને માધ્યમોમાં બનશે. આ શાળાઓ એવી હશે કે જે ખાનગી શાળાઓને ટક્કર આપશે.
(પ્રતિકાત્મક તસવીર)
AMC દ્વારા હાઈટેક સ્કુલો બનાવવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે, તે ખરેખર પ્રશંસનીય અને આવકારદાયક છે. અત્યારે ઘણી શાળાઓ એવી છે કે જેની પાસે સેફ્ટીના નામે કશું જ હોતું નથી. આ શાળાઓ દ્વારા મનફાવે તેવી ફી ચોક્કસ વાલીઓ પાસેથી વસુલવામાં આવે છે પરંતુ સામે તે શાળામાં બાળકો કેટલા સુરક્ષીત છે તે ક્યારેક એક યક્ષ પ્રશ્ન બની જતો હોય છે.
કોર્પોરેશન દ્વારા હાઈટેક શાળાઓ બનાવવામાં આવશે ત્યારબાદ ચોક્કસ વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ક્યાંકને ક્યાંક સરળતા ચોક્કસ થઈ જશે. અને સૌથી મોટી વાત એ કે સેફ્ટી વગરની અને મોટી ફી વસુલતી શાળાઓને એક બોધપાઠ પણ મળશે. પરંતુ એક વાત ચોક્કસ છે કે કોર્પોરેશને પણ હાઈટેક શાળાઓ બનાવ્યા બાદ તેને મેન્ટેઈન કરવામાં અને તે શાળાના તંત્રને ચોક્કસ રાખવા માટે મોટા અને મહત્વપૂર્ણ પ્રયત્નો કરવા પડશે અને તે શાળાઓની સ્થિતી સરકારી શાળાઓ જેવી ન થાય તેનું પણ પુરતું ધ્યાન રાખવું પડશે. (પ્રતિકાત્મક તસવીર)