વૈશ્વકસ્તરનો મનોરંજન થીમ પાર્ક ઈમેજિકા હવે અમદાવાદમાં આવી રહ્યો છે. મહારાષ્ટ્રના ખોપોલી સ્થિત થીમ પાર્ક બાદ આ ઈમેજિકાનો દેશમાં બીજો મોટો થીમ પાર્ક હશે. સાબરમતી નદી પર રિવરફ્રન્ટમાં અટલ બ્રિજના પૂર્વ છેડે 45 હજાર સ્ક્વેર મીટર (4.56 હેક્ટર)માં આ પાર્ક તૈયાર થવા જઈ રહ્યો છે. આ થીમ પાર્કને લઈ પુણેના ઈમેજિકા વર્લ્ડ અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDCL)ની વચ્ચે એગ્રીમેન્ટ થઈ ચૂક્યું છે. હાલ આ પ્રોજેક્ટ નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)ની મંજૂરી હેઠળ છે. તેની ગ્રીન સિગ્નલ મળતાં જ 3થી 4 મહિનામાં કામ શરૂ થવાની શક્યાતા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ પ્રોજેક્ટ બે તબક્કામાં તૈયાર થનારા ગુજરાતના પહેલા અને દેશના બીજા સૌથી મોટા થીમ પાર્કનો પહેલો તબક્કો 8થી 10 મહિનામાં પૂરું થઈ જશે. ઈમેજિકા ગ્રુપનો આ પ્રોજેક્ટ 300 કરોડનો હશે. ઈમેજિકાને થીમ પાર્ક માટે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશને 30 વર્ષની લીઝ પર જમીન ફાળવી છે. આ જમીનનું વાર્ષિક ભાડું 45.60 લાખ હશે. અને દર વર્ષે 10%નો વધારો કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનને ભાડા ઉપરાંત ઈમેજિકા વર્લ્ડ કમાણીમાંથી દર વર્ષે 12.25%નો હિસ્સો પણ આપશે. આ પાર્ક પાંચ ઝોનમાં બનાવવામાં આવશે. એક સાથે 5 હજારની ભીડ પણ નિયંત્રિત રહી શકે તે માટે ઝોન-1 પૂર્ણ રીતે ઓપન એરિયા રહેશે. ઝોન-2માં 6 ટીકીટબારી બનાવવામાં આવશેસ, જેમાં 3 મહિલા-3 પુરુષોની લાઈન બનશે. જેથી ભીડની સ્થિતિમાં હેરાન ન થવું પડે. ઝોન-3માં ઈન્ટરનેશનલ બ્રાન્ડ ડેવ એન્ડ બસ્ટરનો ઈન્ડોર એન્ટરટેનમેન્ટ સ્ટોર હશે. આ ઝોનના સેકન્ડ ફ્લોર પર મલ્ટીલેવલ પાર્કિંગ હશે. ઝોન-4માં મેક્સિકન કંપની કિડ્ઝાનિયાનો આઉટલેટ અને સ્નો પાર્ક હશે. ઝોન-5માં તમામ વયના લોકો માટે રોમાંચક ડ્રાઈવ હશે. અહીં પણ 2 રેસ્ટોરાં હશે. ટ્રેમ્પોલિન પાર્ક, ગો કાર્ટ, સાફ્ટ પ્લે એરિયા, રોલર કોસ્ટર, ફ્લાઈંગ થિયેટર (સિમ્યુલેશન રાઈડ) અને અન્ય રોમાંચક ગેમ્સ/ડ્રાઈવ રહેશે.