IIT ગાંધીનગર સ્કોલર્સ માટે ‘સ્પાર્કલ સિરીઝ’ શરૂ કરશે

ગાંધીનગરઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ગાંધીનગર (IITGN)માં સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગે (CCL) અને અમેરિકન-ઇન્ડિયા ફાઉન્ડેશન (AIF)એ દેશમાં જવાહર નવોદય વિદ્યાલય (JNVs)ની ધોરણ 11ની વિજ્ઞાન જ્યોતિ સ્કોલર્સ માટે ઓનલાઇન ઇન્ટરેક્ટિવ એજ્યુકેશન પ્રોગ્રામ ‘સ્પાર્કલ સિરીઝ’ શરૂ કરવા હાથ મિલાવ્યા છે, જેથી દેશના અંતરિયાળ ભાગોમાંથી ઉચ્ચતર માધ્યમિકની યુવા વિદ્યાર્થિનીઓને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને ગણિત (STEM) વિશે પ્રોત્સાહિત કરી શકાય.

IBM India દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલી આ નવ-એપિસોડની શ્રેણી દેશભરનાં 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 200 જિલ્લાઓમાં 200 જવાહર નવોદય વિદ્યાલયોમાં લગભગ 10,000 વિજ્ઞાન જ્યોતિ વિદ્યાર્થિનીઓ સુધી પહોંચે તેવી અપેક્ષા છે. 22 જાન્યુઆરી, 2022થી શરૂ કરીને, ‘સ્પાર્કલ સિરીઝ’ દર શનિવારે CCLની યુટ્યુબ ચેનલ પર પર બપોરે ત્રણથી 4:30 કલાક દરમિયાન લાઇવ-સ્ટ્રીમ કરવામાં આવશે.

કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (DST)ની વિજ્ઞાન જ્યોતિ યોજનાનો હેતુ હેતુ શિક્ષણના શરૂઆતનાં વર્ષોમાં કેન્દ્રિત હસ્તક્ષેપ કરીને STEM ક્ષેત્રોમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો છે, ‘સ્પાર્કલ સિરીઝ’નો હેતુ છે કે રોજિંદા જીવનમાંથી આ વિષયોના છુપાયેલાં રહસ્યો, સુંદરતા અને જાદુને ઉજાગર કરીને યુવાન છોકરીઓને STEM વિશે ઉત્સાહિત કરે.

આ શ્રેણીના ઉદ્દેશો વિશે વિગતવાર જણાવતાં IITGNના CCLના વડા પ્રોફેસર મનીષ જૈને જણાવ્યું હતું કે પરંપરાગત રીતે ઘણી ઓછી સ્ત્રીઓ STEMમાં કારકિર્દી બનાવે છે, જેથી ગણિત/વિજ્ઞાન આપણા જીવન સાથે કેવી રીતે સંબંધિત છે તે બતાવવા પર આ શ્રેણીમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનના ડિજિટલ ઈક્વલાઇઝરનાં ડિરેક્ટર સંયુક્તા ચતુર્વેદીએ સ્પાર્કલ સિરીઝના મહત્વ વિશે બોલતાં જણાવ્યું હતું કે AIFનો ડિજિટલ ઇક્વેલાઇઝર પ્રોગ્રામ વિદ્યાર્થિનીઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને STEM લર્નિંગ અને 21મી સદીના કૌશલ્યોથી વિદ્યાર્થીઓનું સશક્તીકરણ કરી રહ્યો છે. સ્પાર્કલ સિરીઝ –જે STEM પર આકર્ષક વર્કશોપ્સ છે – એ દ્વારા આ વિઝનને આગળ વધારવા માટે સેન્ટર ફોર ક્રિએટિવ લર્નિંગ, IIT ગાંધીનગર સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે.