કોરોના કાળમાં IIM-A તરફથી જરૂરિયાતમંદ પરિવારો, પ્રવાસી મજૂરોને મદદ

અમદાવાદઃ દેશમાં કોરોના વાઈરસના ફેલાવાને કારણે લાગુ કરાયેલા સંપૂર્ણ લોકડાઉનમાં અનેક ગરીબ લોકો, જે મોટા ભાગે દૈનિક મજૂરી પર નિર્ભર હતા, તે બધા આવક અને અનાજથી વંચિત હતા. જ્યારે સમાજનો એક વર્ગ પોતાનાં ઘરોની અંદર સુરક્ષિત પ્રમાણમાં આરામદાયક અવસ્થામાં હતો, ત્યારે મોટી સંખ્યામાં લોકો આ સંકટમાં જીવનને ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. IIM-અમદાવાદ હંમેશાં સમાજ પ્રતિ દાન આપવામાં સક્રિય રહી છે. સમયની માગ પ્રમાણે IIM- Aની ટીમે સમાજને મદદ કરવા માટે સમર્પણની સાથે કામ કર્યું. આ રાહત કાર્યનું લક્ષ્ય સરકાર અને અન્ય સિવિલ સોસાયટીની નજરે ન ચઢેલા લોકો સુધી પહોંચવાનું હતું.

IIM- અમદાવાદએ 80થી વધુ સ્વયંસેવકોની ટીમની રચના કરી

IIM- અમદાવાદમાં ફેકલ્ટી, સ્ટુડન્ટ્સ, સંશોધનકર્તાઓ અને કર્મચારીઓના એક જૂથે ઓછી આવકવાળા પરિવારો અને પ્રવાસી મજૂરોને લોકડાઉનમાં મદદ કરવા માટે 80થી વધુ સ્વયંસેવકોની એક ટીમની રચના કરી હતી.

2300થી વધુ પરિવારો અને 800 પ્રવાસી મજૂરોને મદદ કરી

IIM- Aની ટીમે અત્યાર સુધીમાં 2300થી વધુ પરિવારો અને 800થી વધુ પ્રવાસી મજૂરોને રાશન કિટ, નાણાકીય સહાયતા, સામૂહિક રસોઈની સહાયતા પૂરી પાડી છે તેમજ ઘણા પ્રવાસીઓને તેમના વતન પહોંચાડવામાં પણ મદદ કરી હતી.

ટીમે જરૂરિયાતને આધારે પરિવારોનું વિભાજન કર્યું

IIM- Aની ટીમે એવા લોકો કે જેમને સૌથી વધુ મદદની જરૂર છે અને તેમને મદદ કરવા એક વ્યવસ્થિત દ્રષ્ટિકોણથી રાહત કાર્ય કર્યું. આ ટીમે તે ગરીબ ઘરોનું સર્વેક્ષણ કર્યું, આ સર્વેક્ષણોને આધારે પરિવારોને તાત્કાલિકની જરૂરિયાતને આધારે ચાર શ્રેણીઓમાં વિભાજિત કર્યા- લાલ, નારંગી, પીળા અને લીલા. આ સર્વેક્ષણે એ પણ સંકેત આપ્યો હતો કે આશરે 85 ટકા ઘરોમાં નિયમિત આવક નથી. આશરે 54 ટકા પરિવારોએ પ્રતિ દિન ખાવાના ભોજનમાં ઘટાડો કર્યો હતો અને કેટલાક લોકોને PDSના માધ્યમથી રાશન ખરીદવામાં પણ મુશ્કેલીઓ પડતી હતી.

બે મહિનામાં વિવિધ ઘરોમાં 550થી વધુ રાશન કિટનું વિતરણ

IIM- Aની ટીમે બે મહિનાના સમયગાળામાં વિવિધ ઘરોમાં 550થી વધુ રાશન કિટનું વિતરણ કર્યું હતું. આ કિટ અમદાવાદના ગુલબાઈ ટેકરા, બોમ્બે હોટેલ-બાપુનગર, દાણીલીમડા, વાડજ, વટવા, જુહાપુરા, ગોતા અને બહેરામપુરા ક્ષેત્રોમાં ઝૂંપડપટ્ટીમાં વિતરિત કરવામાં આવી. આ ક્ષેત્રોમાં IIM- Aના સુરક્ષા ગાર્ડોની મદદથી આ વિતરણ કાર્ય કરવામાં આવ્યું. જ્યાં રાશન કિટ પહોંચાડી ના શકાઈ ત્યાં પૈસા અથવા પરિવારોના ખાતાંઓમાં સીધા પૈસા જમા કરવામાં આવ્યા હતા અથવા એની પાસેની રાશનની દુકાનમાં આપવામાં આવતા હતા, જેથી પરિવાર ફરી મફતમાં રાશન પ્રાપ્ત કરી શકે. આશરે 2.3 લાખ રૂપિયા લોકોને આ પ્રકારે મદદ કરવા માટે સીધાં ઘરોમાં મોકલવામાં આવ્યા હતા.

પ્રવાસી મજૂરોને મદદ માટે ટીમની પ્રશંસનીય કામગીરી

લોકડાઉનના બે દિવસની અંદર સ્વયંસેવકોના એક સામુદાયિક કાર્યકર્તા એજાઝ શેખને સમર્થન આપ્યું, જેથી એ કામદારોને શોધી શકાય, જ્યાં પ્રવાસી મજૂરો ભોજન કે આવક વગર ફસાયેલા હતા અને પરિવારોની મદદ માટે ધન ભેગું કરી શકાય. શહેરના પૂર્વ વિસ્તાર ગોમતીપુર, રખિયાલ, બાપુનગર, સરસપુર, અમરાઈવાડી,બહેરામપુરા અને વટવામાંથી 252થી વધુ પરિવારોને શોધી કઢાયા અને સ્થાનિક પોલીસની મદદથી તેમને પૈસા પહોંચાડવામાં આવ્યા. આ પ્રયાસોને કારણે આશરે 4000 મજૂરો માટે સામૂહિક રસોઈ બનાવવામાં આવી અને જનવિકાસ, ઇન્ફોએનાલિટિકા ફાઉન્ડેશન અને અમદાવાદની પરિયોજના દ્વારા સમર્થન કરવામાં આવ્યું. IIM- Aની ટીમે આ સ્થળોએ જિયો ટેગ કરવામાં અને બેક-એન્ડ કામ કરવામાં મદદ કરી, કેમ કે સ્વયંસેવકોનો વોટ્સએપ પર સૂચના આપી હતી, જેથી 45 દિવસ સુધી પ્રત્યેક દિવસે તૈયાર ભોજન વિતરણ કરવાનુંસરળ બન્યું.

90 મજૂરોને એક મહિના સુધી મદદ

IIM- Aની ટીમે નારોલ સ્થિત ઝારખંડના 90 મજૂરોને એક સામૂહિક રસોઈ સ્થાપિત કરવામાં મદદ કરી અને એક મહિના સુધી તેમને ભોજન ઉપલબ્ધ કરાવ્યું હતું.

ટીમે 800 લોકોને વતન મોકલ્યા

IIM- A ટીમે અત્યાર સુધી લગભગ 800 લોકોને ટ્રેન ટિકિટ, બસ ટિકિટ માટે પૈસા અને ખાનગી વાહનની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી. આ ટીમે બિહાર અને ઝારખંડના 112 પ્રવાસી મજૂરોને વતન મોકલવા માટે આશરે પાંચ લાખ રૂપિયા એકત્ર કરવાનું કામ કર્યું.

IIM- Aની ટીમે 14 લાખ રૂપિયા એકત્ર કર્યા

IIM- Aના કર્મચારીઓ અને IIM- Aના જૂથ દ્વારા મહત્ત્વવનું યોગદાન આપવામાં આવ્યું હતું. આ સાથે જનસહયોગ મંચ IIM- A પર એક પૈસા એકત્ર કરવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું. એનાથી લગભગ ત્રણ લાખ રૂપિયા ભેગા કરાયા. આ ઉપરાંત IIM- Aના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આયોજિત એક ઓનલાઇન કાર્યશાળાથી આશરે 1.2 લાખ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા.

અનલોક જાહેર થતાં IIM- Aની ટીમ રાહત કામગીરી ચાલુ રાખશે. જેમને હજી રોજગારી છીનવાઈ જવાને કારણે મદદની જરૂર છે, તેમને IIM- Aની ટીમ કેટલીક સંસ્થાઓ સાથે મદદ કરવાનું જારી રાખશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]