કોંગ્રેસ આ મામલે વિરોધ કરતાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જો કાયદાકીય કાર્યવાહીના ભાગરુપે બારડનું સભ્યપદ રદ થતું હોય તો બાબુ બોખીરીયાને કેમ હજુ સુધી સસ્પેન્ડ નથી કરવામાં આવ્યાં? કોંગ્રેસ આ મામલે કોર્ટના દ્વાર ખખડાવશે. કોંગ્રેસ નેતા અર્જૂન મોઢવાડિયાએ આમ માધ્યમો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
આપને જણાવીએ કે કેબિનેટપ્રધાન બાબુ બોખીરીયાને કોર્ટે ત્રણ વર્ષની સજા અને પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. બાબુ બોખિરિયાને વર્ષ 2013માં આ સજા ફટકારવામાં આવી હતી. જ્યારે તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સૂત્રાપાડાની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા અને 2500નો દંડ પણ ફટકાર્યો છે.બારડને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે. આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.
આ અંગેનો કેસ સૂત્રાપાડાની કોર્ટમાં લાંબા સમયથી ચાલી રહ્યો હતો. આ કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તેમને ચોરીના ગુનામાં દોષિત જાહેર કરીને સજા ફટકારી છે. પોતાના પ્રતિનિધિ એવા ધારાસભ્યને સજા ફટકારવામાં આવતા ગુજરાત કોંગ્રેસમાં ચકચાર મચી ગઈ છે.