ગુજરાતમાં હાઈડ્રો પાવર સ્ટેશન દ્વારા વીજ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો

ગુજરાતમાં ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા અને ઉર્જા ટ્રાન્ઝિશનને સરળ બનાવવાના મહત્વાકાંક્ષી વિઝન સાથે આગળ વધવા માટે હાલ PM નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ વિવિધ સ્તરે કામગીરી કરવામાં આવી રહી છે. દેશમાં વર્ષ 2030 સુધીમાં 500 ગીગાવોટ બિનઅશ્મિભૂત ઈંધણ આધારિત ક્ષમતા સુધી પહોંચવા અને સ્થાપિત ક્ષમતાના સંદર્ભમાં રિન્યુએબલ એનર્જી પર આધારિત ક્ષમતાનો હિસ્સો ઓછામાં ઓછો 50 ટકા સુધી વધારવા માટેનું લક્ષ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત આ વિઝનને પ્રાપ્ત કરવાની દિશામાં સક્રિયપણે આગળ વધી રહ્યું છે.

ગ્રીન એનર્જીને લગતા સોલાર રૂફટોપ, હાઈડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને રિન્યુએબલ એનર્જી પાર્ક સહિત અન્ય વિવિધ પ્રકલ્પો હાલમાં રાજ્યમાં પુન:પ્રાપ્ય ઊર્જા ઉત્પાદનને વેગ આપી રહ્યા છે. ચોમાસાની આ સિઝનમાં વરસાદે ગુજરાતને જગમગ્ન કર્યુ છે. ભારે વરસાદને પગલે રાજ્યમાં પાણી ધરખમ આવક નોંધાઈ છે. જેના કારણે હાઈડ્રો પાવર સ્ટેશનમાંથી પણ રેકોર્ડ સ્તરે વીજ ઉત્પાદન થઈ રહ્યું છે. ગુજરાતના જાણીતા ઉકાઈ, કડાણા, પાનમ અને સરદાર સરોવર ડેમમાંથી ઓગસ્ટ મહિનામાં 1067.3 મિલિયન યુનિટ (MU) વીજ ઉત્પાદન થયું છે. જુલાઈમાં વીજ ઉત્પાદન 308.7 મિલિયન યુનિટ હતું.

ઓગસ્ટમાં પણ 800 MU વિજળીનું થયું ઉત્પાદન

રાજ્યમાં પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ એવા સરદાર સરોવર ડેમમાં ઓગસ્ટ 2024માં વીજ ઉત્પાદન 800 MUને પાર પહોંચ્યું છે. સરદાર સરોવર (RBPH) અને સરદાર સરોવર (CHPH)માંથી ઓગસ્ટ 2024માં કુલ ઉત્પાદન 891 MU વિજળીનું ઉત્પાદન નોંધાયું છે. રાજ્યના અન્ય હાઈડ્રો પાવર પ્લાન્ટમાંથી પણ નોંધપાત્ર વધારા સાથે વીજ ઉત્પાદન થયું છે.