અમદાવાદઃ ગત 18થી 22 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ રંગાઈ ગયું હતું સાહિત્યના રંગે. કારણ હતું ગુજરાત યુનિવર્સિટીના ચોગાનમાં યોજાયેલો ગુજરાત લિટરેચર ફેસ્ટિવલ. આઠમા વરસમાં પહોંચેલો આ સાહિત્ય મહોત્સવ અનેક નોખાં આકર્ષણો ને અનોખાં આયોજનોને લીધે આગવો બની રહ્યો. અમદાવાદની ભૂમિ છેલ્લી આખી સદીથી ગુજરાતી સાહિત્યની પાટનગરી રહી છે ને હજી એ સૌભાગ્ય આ શહેરના શિરે શોભે છે એ આ ફેસ્ટિવલના દિવસો દરમિયાન માણનારા લોકોને ફરી અનુભવાયું.
આ વરસના સાહિત્યિક આયોજનોના મુગટને અનેક નવાં પીંછાઓથી સજાવવામાં આવ્યો હતો. વિશાળ સંકુલમાં એક સાથે સેંકડો સેશન્સ-સંવાદ-કાર્યક્રમો થયા. ગુજરાતના સૌથી મોટા સાહિત્યમેળામાં આ વખતે ઈન્ડિયન સ્ક્રીનરાઈટર્સ ફેસ્ટિવલ, બિઝલિટ ફેસ્ટ, આર્ટ ફેસ્ટ, ફૂડ ફેસ્ટિવલ વગેરે મુખ્ય આકર્ષણ રહ્યાં, તો સાથે બાળકોને વાર્તાકથન માટે તાલીમ ને તક આપતું ‘ટાબરિયાં’ આયોજન, અન્ય ભાષાના સાહિત્ય માટે ‘ફાઉન્ટેનહેડ’ ને ‘બુક માર્કેટ’ જેવાં આયોજનો પણ રંગ જમાવનારા હતા. રંગભૂમિના અગ્રણીઓએ નાટ્યપ્રવૃત્તિ વિશે વાતો કરી તો નૃત્ય, બ્લોગિંગ જેવા વિષયો પણ ચર્ચાયા. અમદાવાદમાં પહેલીવહેલીવાર ઈન્ડિયન સ્ક્રીનરાઈટર્સ દ્વારા ફેસ્ટિવલ ને વર્કશોપ્સ યોજવાની તક પણ જીએલએફ-2019એ ઝડપી લીધી હતી, જેને બહોળો પ્રતિસાદ મળ્યો.
આ બધા વચ્ચે સ્વાદપ્રેમી ગુજરાતીઓને સંતોષવાનું કામ ફૂડફેસ્ટએ પાર પાડ્યું. થોડા સમય પહેલાં જ સદગતિ પામેલા આપણા લબ્ધપ્રતિષ્ઠિત પત્રકાર-લેખક કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં શ્રીમતી શીલા ભટ્ટ દ્વારા ‘કાન્તિ ભટ્ટ પત્રકારત્વ પારિતોષિક’ની શરૂઆત થઈ, જેમાં બે યુવા પત્રકારો – નરેશ મકવાણા અને કિરણ કાપુરેને સમ્માનવામાં આવ્યા. કાન્તિ ભટ્ટ વિશેના વિશિષ્ટ સેશનમાં સદગતનાં પત્ની શીલા ભટ્ટ, ચિત્રલેખાના તંત્રી ભરત ઘેલાણી, જન્મભૂમિના તંત્રી કુન્દન વ્યાસ અને પત્રકાર રાજ ગોસ્વામી તથા આશુ પટેલે સ્મરણો વાગોળ્યાં.
ટૂંકમાં, થોડા દિવસમાં લોકોએ વિશિષ્ટ નાટ્યપ્રસ્તુતિઓ, આધુનિક સંગીતનો સ્પર્શ, સ્ટેન્ડઅપ કોમેડિયનની રસપ્રદ વાતો, ફિલ્મી દુનિયાની અવનવી બાબતો, ફિલ્મલેખકોના અનુભવો ને સ્વાભાવિકપણે જ સાહિત્યની વિધવિધ વાનગી ધરાવતો રસથાળ માણ્યો. આમ વિષય, ભાષાઓ, અભિવ્યક્તિના માધ્યમો ને કલા જેવી બધી બાબતોને આવરી લેતા સુંદર વૈવિધ્યથી લોકોને મૌજ કરાવી આ સાહિત્ય મહોત્સવ પૂરો થયો.
(અહેવાલ – સુનીલ મેવાડા તસવીરો – પ્રજ્ઞેશ વ્યાસ)