ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાની હોલીડે પાર્ટીમાં બાળકોને મફત ગિફ્ટ્સ

અમદાવાદ/અર્ટીઝિયા (કેલિફોર્નિયા) – અમેરિકાની સામાજિક સંસ્થા ઈન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તરફથી ગુરુવાર 19 ડિસેંબરે અર્ટીઝિયા શહેરમાં AJ પેડલફોર્ડ પાર્ક ખાતે નાતાલ તહેવાર નિમિત્તે વાર્ષિક કમ્યુનિટી પાર્ટી – હોલીડે પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બાળકોને મફત ગિફ્ટ્સ આપવામાં આવી હતી.

આ હોલીડે પાર્ટી માટે સંસ્થાને સ્થાનિક વેપારીઓ તથા સ્પોન્સર્સ તરફથી છૂટા હાથે દાન પ્રાપ્ત થયું હતું.

અર્ટીઝિયા શહેર આવા કાર્યક્રમો દ્વારા સામુદાયિક સદ્દભાવના માટે જાણીતું છે. લીબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, જે મુખ્ય પણ સ્પોન્સર છે, એમણે આ પ્રસંગે કહ્યું હતું કે કાર્યક્રમ ખૂબ જ લાગણીસભર રહ્યો હતો. પોતાની મનગમતી ગિફ્ટ મળવાથી ખુશ થયેલાં બાળકોનાં ચહેરા પર હાસ્ય જોઈને સૌને ખૂબ આનંદ થયો હતો. સંસ્થા આવનારા વર્ષોમાં પણ આ જ રીતે હોલીડે પાર્ટીનું આયોજન કરતી રહેશે.

આ વખતની હોલીડે પાર્ટીમાં મનોરંજક સંગીતમય કાર્યક્રમ, કઠપૂતળીનો ખેલનો સમાવેશ કરાયો હતો તેમજ ડિઝની પાત્રો અને સાન્તા ક્લોઝની પણ ઉપસ્થિતિ હતી. રહેવાસીઓને – પરિવારજનોને સ્પાઘેટી, સલાડ, ટેસ્ટી કૂકીઝનો અલ્પાહાર પણ કરાવવામાં આવ્યો હતો. પાર્ટીમાં અર્ટીઝિયા શહેરના મેયર અલી તાજ, મેટર પ્રો-ટેમ રેની ટ્રેવીનો, કાઉન્સિલ સભ્ય ટોની લિમા, કમ્યુનિટી સ્ટાફ સભ્યો, સ્વયંસેવકો, શહેરના આગેવાનો, લોસ એન્જેલીસ કાઉન્ટી શેરિફ્સ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઈન્ડો અમેરિકન કલ્ચરલ એસોસિએશનના પ્રમુખ પરિમલ શાહે દાન તરીકે 500 ડોલરનો ચેક આપ્યો હતો અને અમેરિકાભરના શહેરોમાં ભારતીય સમુદાયની સક્રિય ભૂમિકાની રજૂઆત કરી હતી.