વડોદરા- વડોદરામાં મેઘસવારીએ સવારસવારમાં ધબધબાટી બોલાવી દીધી હતી. ત્રણ કલાકમાં 4 ઇંચ વરસાદ પડી જતાં સવારમાં જ શાળાકોલેજ જતાં વિદ્યાર્થીઓ અને કામકાજે બહાર નીકળતાં શહેરવાસીઓને દોડાદોડી વધી પડી હતી. અસખ્ય વાહનો ભારે વરસાદને લઇને અધવચાળ અટકી પડેલાં જોવા મળ્યાં હતાં.
દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતમાં મેઘોના મંડાણ થયા છે. વહેલી સવારથી જ વડોદરા શહેરમાં વરસાદી માહોલ છવાઇ ગયો હતો. શહેરમાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વડોદરા શહેર ઉપરાંત કપરાડા, છોટાઉદેપુર, દાહોદ, આણંદ તાલુકાઓમાં પણ વરસાદ પડી રહ્યો છે. વડોદરામાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
અચાનક ખાબકેલા ભારે વરસાદથી અલકાપુરી ગરનાળામાં પાણી ભરાઇ ગયુ હતું તેમજ સીટી બસ સેવાને બંધ કરવાની ફરજ પડી હતી. વડોદરામાં ન્યાય મંદીર, લહેરીપુર, ગેટથી માંડવી સુધીનો રસ્તો પાણીમાં ડૂબતાં વાહનવહેવારમાં મુશ્કેલી સર્જાઇ હતી.