રાજ્યમાં હિટવેવની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે, ગુજરાતના 11 જિલ્લાઓમાં તાપમાન 40°C ની પાર પહોંચી ગયું છે. રાજકોટમાં રાજ્યમાં સૌથી વધુ 42.1°C તાપમાન નોંધાયું છે. જ્યારે અમરેલી, સુરેન્દ્રનગર અને કંડલામાં 41°C તાપમાન નોંધાયું. અમદાવાદમાં 40.7°C, ગાંધીનગરમાં 40.6°C, અને પોરબંદર-કેશોદમાં 40.8°C તાપમાન નોંધાયું છે. ભુજ અને ડિસામાં પણ 40.2°C તાપમાન નોંધાયું.
હવામાન વિભાગે આજે ગુજરાતના પાંચ જિલ્લાઓ માટે યલો અલર્ટ જાહેર કર્યું છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, કચ્છ, પોરબંદર અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. જોકે, આગામી દિવસોમાં તાપમાનમાં 2-4 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેનાથી લોકોને આંશિક રાહત મળી શકે. દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સર્જાયેલ સાયક્લોનિક સરક્યુલેશન અને સમુદ્રની સપાટીથી 5 કિમીની ઊંચાઈએ બનેલી ટ્રફ લાઈનના કારણે ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે, આગામી 3-4 દિવસ તાપમાન 40-42°C સુધી રહેશે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન વધુ રહેવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, એન્ટી-સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં આગામી દિવસોમાં વાતાવરણમાં બદલાવ આવી શકે છે. માર્ચના પ્રારંભથી અમદાવાદમાં તાપમાન 36-37°C હતું, પણ હવે રાજ્યના મોટા ભાગના શહેરોમાં 40-42°C સુધી પહોંચવાની આગાહી કરવામાં આવી છે.
